ગુજરાતના સ્પોર્ટસ કોમ્પ્લકસમાં દિવ્યાંગો માટે અલાયદી સુવિધાઓ હોવી જોઈએ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ દ્વારા દિવ્યાંગો માટેના બે દિવસના પ્રેરણા ફેસ્ટિવલનું આયોજન કરાયું છે.જેનો આજથી પ્રારંભ થયો હતો.
આ વર્ષે પહેલી વખત વડોદરા અને સુરતના દિવ્યાંગ ખેલાડીઓ વચ્ચે સિટિંગ વોલીબોલ મેચનું આયોજન થયું હતુ.સુરતની ટીમ તો ૨૦૦૬થી આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે આવે છે.જોકે તેઓ આજે પહેલી વખત પ્રતિસ્પર્ધી ટીમ સામે મેચ રમ્યા હતા.મેચ ૧-૧થી ડ્રો થઈ હતી.વોલીબોલ ટીમના સભ્યોએ કહ્યું હતું કે, ગુજરાતમાં દિવ્યાંગોની રમત ગમતની પ્રવૃત્તિઓને લઈને ઉત્સાહનો અભાવ જોવા મળે છે.સરકાર દ્વારા પણ ખાસ સુવિધાઓ આપવામાં આવતી નથી.અમારુ માનવું છે કે, ગુજરાતના સ્પોર્ટસ કોમ્પ્લેકસોમાં દિવ્યાંગ ખેલાડીઓની રમત ગમત માટેની અલાયદી સુવિધાઓ હોવી જોઈએ.જેથી ગુજરાતના દિવ્યાંગ ખેલાડીઓ પણ પેરાલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે.
આજે છત્તીસગઢથી આવેલા દિવ્યાંગ ટેક વાન્ડો ( માર્શલ આર્ટનો એક પ્રકાર) ખેલાડીઓએ પણ પોતાની કાબેલિયત દર્શાવી હતી.ખેલાડીઓના કોચ પ્રકાશ સિંહે કહ્યું હતું કે, ગુજરાતમાં માર્શલ આર્ટનું દરેક વિદ્યાર્થીને પ્રશિક્ષણ મળવું જોઈએ અને સ્કૂલોમાં તેનો વિષય તરીકે સમાવેશ થવો જોઈએ.
આવતીકાલે તા. ૨૨ના રોજ ં ભારતના પહેલા પેરાલિમ્પક ગોલ્ડ મેડલ વિજેતા ખેલાડી મુરલીકાંત પેટકરના લેકચરનું આયોજન કરાયું છે. તેમણે ૧૯૭૨માં બર્લિન પેરાલિમ્પિકમાં ૫૦ મીટરની સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.તેમના જીવન પરથી તાજેતરમાં જ બોલીવૂડમાં બનેલી ચંદુ ચેમ્પિયન ફિલ્મ રિલિઝ થઈ હતી.જેમાં અભિનેતા કાર્તિક આર્યને મુરલીકાંત પેટકરનો રોલ કર્યો હતો.ઉપરાંત દિવ્યાંગ ઈન્ટરનેશનલ ડ્રમર સૌરભ ગઢવી તથા દિવ્યાંગ ડ્રાઈવર તરીકે રેકોર્ડ બૂકમાં સ્થાન પામનાર ઉદ્યોગ સાહસિક સમીર કકકડ પણ વકતવ્ય આપશે.