વડોદરામાં મહાત્મા ગાંધી નિર્વાણ દિને પ્રાર્થના સભા તેમજ કાંતણ કાર્યક્રમ યોજાયો
- શિક્ષણ સમિતિના 100 શિક્ષકોએ કાંતણ કાર્યક્રમમાં ભાગ લીધો
વડોદરા,તા.30 જાન્યુઆરી 2024,મંગળવાર
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે પ્રાર્થના સભા તથા કાંતણ કાર્યક્રમ યોજાયો હતો. ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલી ગોવીંદરાવ મહારાજ મધ્યવર્તી પ્રાથમિક શાળામાં સવારે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિક્ષણ સમિતિના 100 શિક્ષકોએ કાંતણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, શાસનાધિકારી તેમજ સભ્યો અને કેટલાક વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાંતણ કાર્યક્રમમાં ભાગ લેનાર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે આ કાર્યક્રમ યોજાય છે. સમિતિના હોદ્દેદારોનું કહેવું છે કે ગાંધીજીના મૂલ્યો વિદ્યાર્થીઓ અને લોકો સુધી પહોંચે તેવો આ પ્રયાસ છે.