ટેકનોલોજી ફેકલ્ટીમાં ટેકનિકલ કર્મચારીઓના અભાવે પ્રેક્ટિકલ શિક્ષણ પર ગંભીર અસર

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News

ટેકનોલોજી ફેકલ્ટીમાં ટેકનિકલ કર્મચારીઓના અભાવે પ્રેક્ટિકલ શિક્ષણ પર ગંભીર અસર 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં ટેકનિકલ કર્મચારીઓની મોટાભાગની જગ્યાઓ ખાલી પડી હોવાથી હવે  ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ શિક્ષણ પર અસર પડી રહી છે.

ટેકનોલોજી ફેકલ્ટી એન્જિનિયરિંગના શિક્ષણ માટે ગુજરાતની પ્રતિષ્ઠિત કોલેજો પૈકીની એક ગણાય છે પણ યુનિવર્સિટીમાં  ખાલી પડેલી જગ્યાઓ નહીં ભરવાની સત્તાધીશોની નીતિના કારણે આ ફેકલ્ટીની પણ માઠી દશા બેઠી છે.

ફેકલ્ટીના સૂત્રોના કહેવા પ્રમાણે  ફેકલ્ટીના વિવિધ વિભાગોમાં ૫૦ જેટલી લેબોરેટરીઓ અને ૧  વર્કશોપ છે.જેના સંચાલન માટે ટેકનિકલ કર્મચારીઓની ભૂમિકા મહત્વની હોય છે.ફેકલ્ટીમાં કર્મચારીઓની ૧૭૭ જેટલી પોસ્ટ છે અને આ પૈકી ૧૫૦ જેટલી પોસ્ટ ટેકનિકલ કર્મચારીઓની છે.

જોકે ટેકનિકલ કર્મચારીઓની નિવૃત્તિ બાદ ખાલી જગ્યાઓ નહીંં ભરવાની નીતિના કારણે અત્યારે માત્ર ૩૦ જેટલી જ જગ્યાઓ ભરાયેલી છે.ખાલી પડેલી ૧૫૦ જેટલી પોસ્ટમાંથી ૧૩૦ પોસ્ટ ટેકનિકલ કર્મચારીઓની છે.

મિકેનિકલ અને કેમિકલ  એન્જિનિયરિંગ વિભાગોમાં તો અત્યારે એક પણ ટેકનિકલ કર્મચારી નથી.વર્કશોપમાં માત્ર બે તથા ઈલેક્ટ્રિકલમાં ૩ કર્મચારીઓ છે.સિવિલમાં ૪ તથા એપ્લાઈડ મિકેનિક્સમાં ૨ તથા એપ્લાઈડ કેમેસ્ટ્રીમાં માત્ર એક ટેકનિકલ કર્મચારી ફરજ બજાવે છે.ટેક્સટાઈલ વિભાગમાં ૨ અને ટેકસટાઈલ કેમિકલ વિભાગમાં ૩ ટેકનિકલ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.

સૂત્રોનુ કહેવુ છે કે, ઓછા ટેકનિકલ કર્મચારીઓના કારણે  પ્રેક્ટિકલ શિક્ષણ પર અસર પડી રહી છે.ઈલેક્ટ્રિકલ જેવા વિભાગોમાં ટેકનિકલ કર્મચારીઓના અભાવે હેવી  મશિન ઓપરેટ કરવામાં મુશ્કેલી આવી રહી છે.વર્કશોપમાં પણ અપૂરતા ટેકનિકલ કર્મચારીઓના કારણે મિકેનિકલ સહિતના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ શિક્ષણ આપવાનુ મુશ્કેલ થઈ રહ્યુ છે.ટેકનોલોજી ફેકલ્ટીના સત્તાધીશોએ પણ  ટેકનિકલ કર્મચારીઓની ભરતીને લઈને ઉપેક્ષિત વલણ અપનાવ્યુ હોવાથી આગામી સમયમાં આ સ્થિતિમાં સુધારો થવાની શકયતા ઓછી જ છે.



Google NewsGoogle News