અમદાવાદની પાવરટ્રેક કંપનીના ચેરમેન સામે ગુનો કંપનીમાં ડિરેક્ટર બનાવવા અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું
ફેસબુક મેસેન્જરથી ચેરમેને સંપર્ક કર્યા બાદ વોટ્સએપથી સંબંધો વધાર્યા અને છેલ્લે લગ્નની ના પાડી દીધી
વડોદરા, તા.12 અમદાવાદમાં એસ.જી. હાઇવે પર આવેલી પાવરટ્રેક ગૃપ ઓફ કંપનીઝની કોર્પોરેટ ઓફિસમાં બોલાવી વડોદરાની સુશિક્ષિત મહિલાને કંપનીમાં ડિરેક્ટર બનાવવા અને લગ્ન કરવાની લાલચ આપી કંપનીના ચેરમેને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના ઉત્તર વિસ્તારમાં રહેતી ૪૩ વર્ષની અપરિણીત મહિલાએ સુરેન્દ્રનગરમાં બસ સ્ટેન્ડરોડ પર એમઆઇ પાર્ક બંગલોમાં રહેતા કિશોરસિંહ ભીખુભા ઝાલા સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. મારા ફેસબુક મેસેન્જરમાં હાય લખેલ મેસેજ આવતા તે ચેક કર્યું તો કિશોરસિંહનો મેસેજ હતો. તેણે હું ફેસબુકનો ઉપયોગ વધારે કરતો નથી તેમ કહી મારો મોબાઇલ નંબર માંગ્યા બાદ વોટ્સએપથી સંપર્ક થયો હતો.
કિશોરસિંહે પોતે પાવરટ્રેક ગૃપ ઓફ કંપનીઝનો ચેરમેન છું તેવી ઓળખ આપી હતી અને બાદમાં પાવર સ્ટેશન અંગેનો એક પ્રશ્ન પૂછતાં તેનો ઉત્તર આપતા મારા કામથી તેઓ પ્રભાવિત થયા હતાં. વોટ્સએપ પર કિશોરસિંહ બીભત્સ વીડિયો મોકલી ચેટિંગ કરતા મેં ના પાડી હતી અને માત્ર વ્યવસાયને લગતી જ વાત કરવા જણાવ્યું હતું. થોડા દિવસો બાદ કિશોરસિંહનો વોટ્સએપ કોલ આવ્યો હતો અને મારી પત્ની સાથે મનમેળ નથી તેમ કહી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અને મને કંપનીમાં ડિરેક્ટરનો હોદ્દો આપવાની વાત કરી જણાવેલ કે આપણે ભેગા મળીને કામ કરીશું તો કંપનીને નવી ઊંચાઇ પર લઇ જઇશું.
તેની વાતમાં હું ભોળવાઇ ગઇ હતી અને તેણે મને કંપનીની અમદાવાદના એસજી હાઇવે પર ફાઇવ કોમ્પ્લેક્સમાં આવેલી પાવરટ્રેક ગૃપ ઓફ કંપનીની ઓફિસમાં બોલાવી હતી. હું ત્યાં ગઇ ત્યારે તેની પર્સનલ ઓફિસમાં બેસાડી ડિરેક્ટર બનાવવાની ઓફર કરી હવે આપણે લગ્ન કરવાના જ છે તેમ કહી શારીરિક છેડછાડ કરી મુખમૈથુન કરાવી શારીરિક સંબંધ બાંધ્યો હતો. થોડા દિવસો બાદ મને સુરેન્દ્રનગર ખાતે કંપનીની ફેક્ટરીની મુલાકાત માટે બોલાવી હતી ત્યારે કિશોરસિંહે જણાવેલ કે મારે દિલ્હી જવાનું છે પછી વાત કરીશું મારો મેનેજર તને કંપનીની મુલાકાત કરાવી દેશે, આપણા લગ્ન શક્ય નથી, આ રીતે સંબંધમાં રહી સાથે કામ કરીશું હું તને મારી કંપનીમાં ડિરેક્ટરનો હોદ્દો આપીશ તેમ કહી જતો રહ્યો હતો.