કુંઢેલા પાસેના ફટાકડાબજારમાં લંગર નાંખી થતી વીજચોરી ઝડપાઇ
વાઘોડિયાના નવગામમાં પણ તબેલામાં વીજચોરી ઃ ધનિયાવી અને વોરાગામડીમાં પણ ચોરી ઝડપાતા કાર્યવાહી
વડોદરા, તા.12 વડોદરા-ડભોઇરોડ પર કુંઢેલા ચોકડી પાસે ફટાકડાના સ્ટોલમાં ગેરકાયદે વીજજોડાણ કરી મોટાપાયે થતી વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.
આ અંગેની વિગત એવી છે કે વીજકંપની દ્વારા કુંઢેલા ચોકડી પાસે દિવાળીપુરારોડ પર ફટાકડાબજારના સ્ટોલમાં વીજ કનેક્શન અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ઇરફાન એહમદ પટેલ પોતે વિજગ્રાહક ના હોવા છતાં ફટાકડાના સ્ટોલમાં વીજવપરાશ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. ઇરફાન પટેલે કુલ રૃા.૧૬.૧૬ લાખની વીજચોરી કરી હોવાનું બહાર આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલાં આ સ્થળ પાસે મહંમદ ગોલાવાલા પણ ગેરકાયદે વીજજોડાણ કરી પોતાના ફટાકડાના સ્ટોલમાં ગેરકાયદે વીજળીનો ઉપયોગ કરતો ઝડપાયો હતો. તેણે કુલ રૃા.૪.૮૫ લાખની વીજચોરી કરી હતી.
આ ઉપરાંત વડોદરા નજીક વોરાગામડીમાં રહેતા યાસીન ઉમરશી વોરા પટેલ પણ વીજલાઇન પર લંગર નાંખી રૃા.૩.૨૨ લાખની વીજચોરીમાં ઝડપાયા હતાં. જ્યારે ધનિયાવીમાં પણ ફરજાનાબેન અલ્ફાઝ વ્હોરાપટેલ પણ વીજગ્રાહક નહી હોવા છતાં પોતાના ઘરમાં વીજવપરાશ કરી કુલ રૃા.૧.૨૮ લાખની વીજચોરીમાં ઝડપાયા હતાં. શિનોર તાલુકાના સુરાશામળ ગામે બુધાભાઇ ફતેસિંહ વસાવા પોતે વીજગ્રાહક હોવા છતાં મીટર બાયપાસ કરી રૃા.૧.૨૭ લાખ, પાણીગેટમાં મગરસ્વામી આશ્રમ પાસે અમીર ઉસ્માનગની કેમ્પવાલા રૃા.૧.૫૦ લાખની વીજચોરીમાં ઝડપાયા હતાં.
જ્યારે વડોદરાના સમા વિસ્તારમાં સહકારનગરમાં રહેતી યાસના રાકેશ પટેલ વીજગ્રાહક છતાં મીટર બાયપાસ કરી ઘરમાં રૃા.૨.૨૧ લાખ અને વાઘોડિયા તાલુકાના નવાગામમાં મનિષા પરેશભાઇ ચૌહાણ તબેલામાં રૃા.૯૯ હજારની વીજચોરીમાં ઝડપાતા તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.