હાથીખાનારોડ પર લંગર નાંખી વીજચોરી ફાજલપુરમાં ઢોરના તબેલામાં રૃા.૨.૯૬ લાખની વીજચોરી ઝડપાઇ
દોડકા ગામ, અકોટા અને વાડી વિસ્તારમાં કુલ રૃા.૧૦.૨૩ લાખની વીજચોરી
વડોદરા, તા.6 વડોદરા શહેર અને જિલ્લામાં વીજલાઇનમાં લંગર નાંખી અથવા વીજમીટર સાથે ચેંડા કરીને થતી વીજચોરીને ઝડપી પાડી વીજચોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા નજીક આવેલા દોડકા ગામના બસ સ્ટેન્ડ પાસે રહેતાં રણછોડ મોતીભાઇ ચૌહાણ પોતે વીજગ્રાહક નહી હોવા છતાં તેમણે ઘરમાં વીજવપરાશ કરવા માટે ઘર પાસેથી પસાર થતી વીજલાઇન પર લંગર નાંખી વીજચોરી કરી હતી. રણછોડ ચૌહાણે રૃા.૧.૪૪ લાખની વીજચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે વડોદરા શહેરના હાથીખાનારોડ પર મહાવત ફળિયામાં રહેતી નીગાર ફાતિમા પઠાણે પણ ઘરમાં ગેરકાયદે વીજવપરાશ કરવા માટે ઘર પાસેથી પસાર થતી હળવા દબાણની વીજલાઇન પર લંગર નાંખી રૃા.૧.૭૦ લાખની વીજચોરી કરી હતી.
વીજચોરીના અન્ય બનાવમાં શહેરના અકોટારોડ વિસ્તારમાં પાર્થ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં રહેતા હિતેશ એસ. પંચાલ પોતે વીજગ્રાહક હોવા છતાં મીટર બાયપાસ કરીને રૃા.૨.૩૫ લાખની વીજચોરીમાં ઝડપાયા હતાં. આ ઉપરાંત વાડી વિસ્તારમાં ગણપતિ મંદિર પાસે મીરા ફ્લેટમાં કાજલ વનમાળીદાસ મિસ્ત્રીએ પણ મીટર બાયપાસ કરી ઘરમાં વીજવપરાશ કરી રૃા.૧.૭૮ લાખની વીજચોરી કરી હતી. જ્યારે વડોદરા તાલુકાના ફાજલપુર ગામમાં કાંતિ ભીમજી પટેલ પોતે વીજગ્રાહક હોવા છતાં મીટર બાયપાસ કરીને ઢોરના તબેલામાં રૃા.૨.૯૬ લાખની વીજચોરી કરતાં રંગે હાથ ઝડપાયા હતાં. કુલ રૃા.૧૦.૨૩ લાખની વીજચોરી અંગે વીજકંપની દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.