રતનપુરમાં દારૃનો ધંધાર્થી વીજ લાઇનમાંથી ચોરી કરતા ઝડપાયો
અપ્સરા એપાર્ટમેન્ટમાં પણ વીજચોરી ઃ કુલ છ શખ્સોની ૯.૪૧ લાખની ચોરી ઝડપાઇ
વડોદરા, તા.10 વડોદરા શહેર અને જિલ્લામાં વીજકંપનીની ટીમે ત્રાટકીને રતનપુર ખાતેના બૂટલેગર સહિત અડધો ડઝન શખ્સોને રૃા.૯.૪૧ લાખની વીજચોરીમાં ઝડપી પાડયા હતાં.
આ અંગેની વિગત એવી છે કે રતનપુરના દારૃના ધંધાર્થી જયસ્વાલ રજનીકાંત અમૃતલાલ મોટાપાયે વીજચોરી કરે છે તેવી માહિતીના આધારે વિજિલન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં રતનપુરમાં વચલા ફળિયામાં તળાવ પાસે રહેતો રજનીકાંત જયસ્વાલ પોતે બિનગ્રાહક હોવા છતા હળવા દબાણની વીજલાઇનમાં વીજવાયર જોડી ઘરમાં વીજવપરાશ કરી ચોરી કરતો હોવાનું જણાયું હતું. આ ઘરમાંથી કુલ રૃા.૧.૨૭ લાખની વીજચોરી ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરના પ્રતાપનગર વિસ્તારમાં અપ્સરા હાઉસિંગ ખાતેના ફ્લેટમાં રહેતાં હૈદરખાન સરદારખાન પઠાણ પોતે વીજગ્રાહક નથી તેમ છતાં વીજલાઇનમાં વાયર જોડી પોતાના ઘરમાં વીજવપરાશ કરતાં ઝડપાતા કુલ રૃા.૧.૯૯ લાખની વીજચોરી અંગે હૈદરખાન સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે નવાપુરા વિસ્તારમાં કેવડાબાગ ખાતે સાખીયાની ચાલીમાં રહેતો ગણેશ લક્ષ્મણ કહાર પોતે ગ્રાહક હોવા છતાં મીટર બાયપાસ કરી વીજચોરી કરતો હતો. તેણે કુલ રૃા.૧.૨૨ લાખની વીજચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.
શહેરના ગોત્રી હરીનગરમાં આશુતોષ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશ પ્રવિણ પરાર પણ પોતે વીજગ્રાહક હોવા છતાં વીજલાઇનમાં ખાનગી વાયર જોડી કુલ રૃા.૨.૮૯ લાખની વીજચોરીમાં ઝડપાયા હતાં. પોર નજીક આવેલા અણખી ગામે પુનીયાદ ફળિયામાં રહેતા અભેસિંગ રાયસિંગ પાવા વીજગ્રાહક છતાં મીટર બાયપાસ કરીને રૃા.૧.૦૪ લાખની વીજચોરી કરતા ઝડપાયેલ. આ ઉપરાંત નવાપુરામાં મહેબુબપુરા મસ્જિદ પાસે સબાનાબાનુ સિદ્દીકમીયા શેખ પણ મીટર બાયપાસ કરી કુલ રૃા.૯૯૪૫૯ની વીજચોરી કરતાં પકડાતા તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.