જોશભેર ફૂંકાયેલા પવનો વચ્ચે શહેરના એક લાખ જોડાણોનો વીજ પુરવઠો ખોરવાયો
વડોદરાઃ રવિવારની રાત્રે સર્જાયેલા વરસાદી માહોલ અને જોશભેર ફૂંકાયેલા પવનોના કારણે વડોદરા શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાયો હતો.એક અંદાજ અનુસાર શહેરના એક લાખ જોડાણો પર તેની અસર પડી હોવાનુ જાણવા મળ્યુ છે.
મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સૂસવાટા મારતા પવનોના કારણે જેટકોની કેટલીક ટ્રાન્સમિશન લાઈનો ટ્રિપ થઈ હતી.ખાસ કરીને ગોત્રી વિસ્તારમાં આવેલુ જેટકોનુ ૧૩૨ કેવીનુ સબ સ્ટેશન પણ થોડા સમય માટે બંધ થયુ હતુ.
ટ્રાન્સમિશન લાઈનો પરનો વીજ પ્રવાહ ખોરવાયો હોવાથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો પૂરો પાડતા ૨૮ જેટલા ફીડર બંધ થયા હતા અને આ ફીડરો પરના એક લાખ જોડાણોનો વીજ પ્રવાહ થોડા સમય માટે બંધ થયો હતો.ખાસ કરીને વાસણા, ગોત્રી, અટલાદરા, ન્યૂ અલકાપુરી જેવા વિસ્તારોમાં હજારો ઘરોમાં રાત્રીના સમયે અંધાર પટ છવાયો હતો.
વીજ કંપનીના સૂત્રોનુ કહેવુ છે કે, ટ્રાન્સમિશન લાઈન ટ્રિપ થાય અને વીજ પુરવઠો ખોરવાય તે બાદ પવનની ગતિ ઓછી થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે અને એ પછી વીજ પ્રવાહ ફરી શરુ કરી શકાય છે.આમ છતા ગણતરીની મિનિટો બાદ મોટાભાગના વિસ્તારોમાં વીજ પ્રવાહ પૂર્વવત કરી દેવાયો હતો.શહેરમાંથી વીજ કંપનીને વ્યક્તિગત રીતે તો માત્ર ૭૦ થી ૮૦ ફરિયાદો જ મળી હતી.
વીજ કંપનીના કર્મચારીઓએ વીજ પુરવઠો શરુ કરવા માટે વરસાદી માહોલ વચ્ચે મોડી રાત સુધી કામગીરી ચાલુ રાખી હતી.