દસ દિવસથી રોજ રાત્રે વીજળી ગુલ થાય છે, વડોદરાના સન ફાર્મા રોડના લોકોનો વીજ કંપનીની કોર્પોરેટ ઓફિસ પર મોરચો
Vadodara MGVCL : વડોદરામાં લોકો વીજ કંપનીના સ્માર્ટ મીટરોની સાથે સાથે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યાથી પણ હેરાન પરેશાન છે.
શહેરના સન ફાર્મા રોડ પર છેલ્લા 10 દિવસથી રોજ રાત્રે 10 વાગ્યે વીજળી ગુલ થાય છે અને સવારે ત્રણ વાગ્યે વીજ પુરવઠો ચાલુ થાય છે. આમ રોજ અહીંની સેંકડો સોસાયટીઓના લોકોની ઉંઘ એમજીવીસીએલના કારણે હરામ થઈ ગઈ છે. વીજ કંપનીના અકોટાના સબ ડિવિઝન ખાતે છેલ્લા ત્રણ દિવસથી મધરાતે રજૂઆત કરીને થાકી ગયેલા લોકો આજે વીજ કંપનીની રેસકોર્સ ખાતે આવેલી કોર્પોરેટ ઓફિસ પર પહોંચ્યા હતા.
તેમણે વીજ કંપનીના ઉચ્ચાધિકારીઓને મળીને રજૂઆત કરી હતી. લોકોએ કહ્યું હતું કે, અકોટા સબ ડિવિઝનની ઓફિસ તો પોલીસના જ હવાલે કરી દીધી છે. ત્યાં રજૂઆત કરવા જઈએ છે તો પોલીસ જવાબ આપે છે. કચેરી પર કોઈ ફોન ઉપાડતુ નથી. કસ્ટમર સર્વિસ પર ફોન લાગતા નથી અને ફોન લાગી પણ જાય તો તોછડો જવાબ મળે છે. અમારું કોઈ બિલ બાકી નથી હોતું. ઓનલાઈન પેમેન્ટ કરીએ છે પણ ગ્રાહક તરીકે અમને સુવિધા નથી મળી રહી. નાના બાળકો અને ઘરડા લોકોની હાલત કફોડી છે. અમે સન ફાર્મા વિસ્તાર માટે એક સબ સ્ટેશન ઉભુ કરવાની રજૂઆત કરી છે.
લોકોએ કહ્યું હતું કે, અધિકારીઓએ અમને કામચલાઉ સમાધાન માટે ખાતરી તો આપી છે પણ અમને સમસ્યાનુ સમાધાન થશે કે કેમ તેની ખાતરી નથી. અમને 45 ડિગ્રી ગરમીમાં અહીંયા આવવાનો કોઈ શોખ નથી પણ આખી રાત લાઈટો વગર હેરાન થવાથી ના છૂટકે અમારે અહીંયા આવવુ પડયુ છે.
- વીજ કંપનીની નામચીન સિક્યુરિટીનુ સભ્ય સમાજના લોકો સાથે તોછડુ વર્તન
સનફાર્મા વિસ્તારના રહેવાસીઓને રજૂઆત કરવા હેડ ઓફિસમાં એન્ટ્રી લેવા માટે પણ સંઘર્ષ કરવો પડયો હતો. સિક્યુરિટી સાથે તેમની બોલાચાલી થઈ હતી. નિયમિત રીતે બિલ ભરનારા સભ્ય સમાજના લોકો જાણે ગુનેગાર હોય તે પ્રકારે સિક્યુરિટીએ તેમની સાથે વર્તન કરીને તેમને ગેટની અંદર છાંયડામાં ઉભા રહેવા દેવા માટે પણ મનાઈ ફરમાવી દીધી હતી.
લોકોએ અમે તો અધિકારીને રજૂઆત કરીને જ જઈશું તેવુ વલણ અપનાવ્યા બાદ એમજીવીસીએલની સિક્યુરિટીએ આખરે ઝૂકવુ પડયુ હતું અને લોકોને જવા દેવા પડયા હતા. સિક્યુરિટીએ તો મીડિયાને પણ અમે ડયુટી પર છે એટલે કશું ના કહી શકીએ તેવો તોછડો જવાબ આપ્યો હતો.
રજૂઆત કરવા માટે આવેલા લોકોએ કહ્યું હતું કે, સિક્યુરિટીએ અમારી સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો છે. તેઓ અમને જરાવતા હોય તેવુ લાગતુ હતું. અમે નિયમિત રીતે બિલ ભરનારા લોકો છે. અમને કોર્પોરેટ ઓફિસ પર આવવાનો શોખ નથી થતો...ઉલ્લેખનીય છે કે, વીજ કંપનીની સિક્યુરિટીનો આ પ્રકારની વર્તણૂંક પહેલી ઘટના નથી. એમજીવીસીએલની ઓફિસમાં બેસનારા અધિકારીઓની સૂચના હોય કે ગમે તે પણ કોર્પોરેટ ઓફિસમાં આવનારા દરેક મુલાકાતીને શંકાની નજરે જોવાય છે. આ મુદ્દે અગાઉ પણ ઉહાપોહ થયો હતો. આમ છતા સિક્યુરિટીની મનમાની યથાવત છે.