વડોદરાના ફતેગંજમાં ડ્રેનેજની હલકી કક્ષાની કામગીરી થી સતત બે દિવસ ભુવા પડ્યા
વડોદરા,તા.26 ફેબ્રુઆરી 2024,સોમવાર
વડોદરા શહેરમાં ચાલતા વિકાસના કામોમાં યોગ્ય રીતે સુપરવિઝન નહીં થવાને કારણે હલકી કક્ષાની કામગીરીને કારણે અવારનવાર ભુવા પડવાના કિસ્સા બની રહ્યા છે ત્યારે ગઈકાલે ફતેગંજ મેઈન રોડ પર ડ્રેનેજની કામગીરી બાદ એક ભુવો પડ્યો હતો તેનું સમારકામ કર્યા બાદ આજે ફરી 10 ફૂટના અંતરે ભુવો પડ્યો હતો.
વડોદરા શહેરમાં વોર્ડ નંબર-3 ફતેગંજ મેઇન રોડ વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ તેની ઉપર થોડા દિવસો પહેલા જ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે ફતેગંજ મુખ્ય રોડ પર ભુવો પડ્યો હતો તેનું સમારકામ કોર્પોરેશન એ કરી દીધું હતું તે બાદ આજે સવારે જ્યાં અગાઉ ભુવો પડ્યો હતો તેનાથી 10 ફૂટ દૂર જ બીજો એક ભુવો પડ્યો હતો જે અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનના તંત્રને જાણ કરી હતી.
સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશન દ્વારા ચાલતા વિકાસના કામો માં અધિકારીઓ દ્વારા કોઈપણ જાતનું સુપરવિઝન કરવામાં આવતું નથી જેને કારણે આ મુશ્કેલી સર્જાય છે તેમ છતાં કોર્પોરેશનનું તંત્ર જરૂરી પગલા ભરતું નથી.