બટાટાનું ઉત્પાદન 20 ટકા ઘટશેઃવિઘે 50 મણ ઓછો ઉતારો

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
બટાટાનું ઉત્પાદન 20 ટકા ઘટશેઃવિઘે 50 મણ ઓછો ઉતારો 1 - image


ગાંધીનગર જિલ્લામાં આઠથી નવ હજાર હેક્ટરમાં બટાટાનું વાવેતર

વેફર અને પ્રોસેસના બટાટાનું ઉત્પાદન પણ ઘટયુંઃપાછોતરો સુકારાનો રોગ તથા હવામાનનમાં ઠંડીની વઘ-ઘટ કારણભુત

ગાંધીનગર :  રવિપાકમાં હવે ખેડૂતો ઘઉંની સાથે બટાટાના વાવેતર તરફ વળ્યા છે. બટાટાના ભાવ સારા મળતા હોવા ઉપરાંત તેને કોલ્ડ સ્ટેરેજમાં સ્ટોર પણ કરી શકાય તેમ હોવાને કારણે બટાટાની ખેતી કરતા ખેડૂતોની સંખ્યા છેલ્લા ઘણા વખતોથી ગાંધીનગરમાં વધી રહી છે. ગાંધીનગરમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી બટાટાનો ઉતારો પણ વિક્રમીરીતે વધે છે પરંતુ આ વખતે તો રવિસિઝન દરમ્યાન પણ વારંવાર માવઠાને કારણે ખેતપાકોને ખુબ જ નુકશાન થયું છે જેમાં બટાટાનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં અને ખાસ કરીને દહેગામ પંથકમાં બટાટાનું વાવેતર વધુ કરવામાં આવ્યું છે.

ગાંધીનગર જિલ્લામાં રવિ સિઝન દરમ્યાન સરેરાશ નવેક હજાર હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ દિવાળી બાદ જ્યારે બટાટાનું વાવેતર કરવામાં આવ્યું તે વખતે જ માવઠાની વણઝાર થઇ હતી. લગભગ દર અઠવાડિયે વાદળછાયું વાતાવરણ થઇ જતું હતું અને ચોમાસા જેવા વાતાવરણ વચ્ચે વરસાદ ખાબકતો હતો.વાવેતર વખતે જ વરસાદથી ઝાપટાથી જમીન કડક થઇ ગઇ હતી જેના કારણે બિયારણમાંથી પાક થતા પણ ખુબ જ સમય લાગ્યો હતો એટલુ જ નહીં, ત્યાર બાદ પાછોતરા સુકારાના રોગચાળાને પગલે બટાટાના ફળનો ઘેરાવો પણ ઘટયો છે સાથે સાથે પાકનો ઉતારો પણ ઘટયો છે. આ અંગે છેલ્લા ઘણા વર્ષોથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા શિવપુરા કંપાના ખેડૂત શાંતિભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે વાતાવરણે ખેડૂતોને સાથ આપ્યો નથી. બટાટાના વાવેતર વખતે માવઠા એક પછી એક આવ્યા જેના કારણે વાવેતરને નુકશાન ગયું હતું સાથે સાથે પાછતરા સુકારા અને બાદમાં પાકને અનુરૃપ ઠંડી નહીં પડવાને કારણે બટાટાનો ઘેરાવો પણ ઘટયો છે. આ વખતે મોટા બટાટાને બદલે નાના ગુલ્લા બટાટા એટલે કે, બટેટી વધુ ઉતરી છે. પ્રોસેસના બટાટાની સાથે ખાવાના બટાટાનો ઉતારો પણ એક વિઘાએ ૫૦ મણ જેટલો ઓછો ઉતર્યો છે. સામાન્ય સંજોગોમાં ૩૫૦થી ૪૦૦ મણ પ્રતિ વિઘાએ બટાટાનો ઉતારો થાય છે પરંતુ આ વખતે રોગચાળો તથા પ્રતિકુળ હવામાનને કારણે ૩૦૦થી ૩૫૦ મણ એક વિઘાએ ઉતારો ઉતરે છે. સાથે સાથે બટાટાના પાકનો ઘેરાવો પણ ઘટયો છે. 


Google NewsGoogle News