સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત આંદોલન, MSU કેમ્પસમાં 'વીસી ગૂમ થયા છે...' ના પોસ્ટરો લાગ્યા
M S University Vadodara : વડોદરામાં એક તરફ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ એમ.એસ.યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકો ઘટાડી દેવાના સત્તાધીશોના નિર્ણય સામે પણ આંદોલન વેગ પકડી રહ્યુ છે.
ભાજપના ધારાસભ્યો વડોદરાના વિદ્યાર્થીઓને થઈ રહેલા અન્યાય સામે ભલે મૌન ધારણ કરીને બેસી ગયા હોય પણ ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ સત્તાધીશો સામેનો વિરોધ ચાલુ રાખ્યો છે. જેના ભાગરુપે આજે એબીવીપીએ યુનિવર્સિટી કેમ્પસની દિવાલો પર વાઈસ ચાન્સેલર ગૂમ થયા હોવાના પોસ્ટરો લગાવ્યા હતા.
એબીવીપીના આગેવાનોએ કહ્યું હતું કે, વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી વડોદરાના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે કે કેમ તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરામાં સ્થાનિક વિદ્યાર્થીઓની અનામતનો મુદ્દો હોય કે બીજા કોઈ પ્રશ્ન માટે આંદોલન હોય.. પણ વાઈસ ચાન્સેલર વિદ્યાર્થીઓને મળતા નથી. અમે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવા જઈએ છે ત્યારે વિદ્યાર્થીઓને વિજિલન્સ અને સિક્યુરિટી દ્વારા ધક્કા મારીને કાઢી મૂકવામાં આવે છે. વાઈસ ચાન્સેલર જો વિદ્યાર્થીઓના હિતમાં કામ ના કરી રહ્યા હોય તો કોના માટે કામ કરી રહ્યા છે? વાઈસ ચાન્સેલર વિદ્યાર્થીઓની વચ્ચે નહીં આવે અને વિદ્યાર્થીઓની સમસ્યા નહીં સાંભળે તો કોણ સાંભળશે?
આગેવાનોએ કહ્યું હતું કે, વડોદરામાં ધો.12 પાસ કરનારા વિદ્યાર્થીઓના વાલીઓ પણ પ્રવેશ મળશે કે કેમ તેને લઈને ચિંતામાં છે. આ ચિંતા વાઈસ ચાન્સેલરે દૂર કરવુ જોઈએ. યુનિવર્સિટીમાં પહેલા વડોદરાના 12000 વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો હતો પણ જો અનામત કાઢી નાંખવામાં આવશે કે પછી 50 ટકા કરવામાં આવશે તો માત્ર 6000 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળી શકશે. એબીવીપીએ જણાવ્યું હતું કે, અમે જે પોસ્ટરો લગાવ્યા છે તેમાં લખ્યું છે કે, ઉપરોકત ફોટોમાં દેખાતા વ્યક્તિ ભૂલથી ક્યાંયક દેખાય તો વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે રજૂઆત કરી શકાય તે માટે અમારો સંપર્ક કરવો..