સૌથી મહત્ત્વના પરીક્ષા વિભાગમાં ડે.રજિસ્ટ્રારની જગ્યા એક મહિનાથી ખાલી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના સૌથી મહત્વના પરીક્ષા વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રારની જગ્યા ખાલી પડે એક મહિના જેટલો સમય થઈ ગયો છે પણ યુનિવર્સિટી સત્તાધીશોએ આ જગ્યા પર અન્ય કોઈની નિમણૂંક કરવાની હજી સુધી તસ્દી સુધ્ધા લીધી નથી.
જેની અસર પરિણામો પર પડી રહી છે.કોમર્સ, આર્ટસ, મેડિકલના હજારો વિદ્યાર્થીઓના પરિણામો જાહેર થઈ રહ્યા નથી પણ કોમન એકટના અમલના કારણે બેફામ બનેલા સત્તાધીશો જાણે યુનિવર્સિટી પોતાની માલિકીની પેઢી હોય તેમ વરતી રહ્યા છે અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રીતસરના આંખ આડા કાન કરીને યુનિવર્સિટી સત્તાધીશોને જાણે છુટ્ટો દોર આપી દીધો છે.
પરીક્ષા વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ પરીક્ષામાં જાત જાતના નિયમો બનાવાય છે અને જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા પકડાય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે પણ પરિણામમાં થતા વિલંબના કારણે હજી સુધી કોઈ અધ્યાપક કે કર્મચારી કે અધિકારી પર કાર્યવાહી થઈ હોય તેવી એક ઘટના બની નથી.
કોમર્સ ફેકલ્ટીના એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓ તો ડિસેમ્બર મહિનાથી પરિણામની રાહ જોઈ રહ્યા છે.આર્ટસ ફેકલ્ટીના પણ બીએ અને એમએના કેટલાક પરિણામ જાહેર થયા નથી.મેડિસિન ફેકલ્ટીના છેલ્લા વર્ષના પરિણામો ઘોંચમાં પડેલા છે.જેની પાછળનુ એક મહત્વનુ કારણ એ છે કે, દર્શન મારુએ ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે રાજીનામુ આપ્યા બાદ વાઈસ ચાન્સેલરે હજી સુધી આ મહત્વની જગ્યા પર બીજા કોઈની નિમણૂંક કરી નથી.પરીક્ષા વિભાગ કર્મચારીઓની પણ અછત અનુભવી રહ્યો છે.
આ સંજોગોમાં યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓનુ ભાવિ અધ્ધરતાલ છે અને આ જ પ્રકારે જો યુનિવર્સિટીનો વહિવટ ચાલતો રહ્યો તો એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા પણ બે વખત વિચાર કરશે તે નક્કી છે.