એમ.એસ.યુનિ.માં પીએચડી રજિસ્ટ્રેશન કરાવવા માટે ધસારો થાય તેવી શકયતા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પીએચડી માટેની ૫૨૮ બેઠકો પર રજિસ્ટ્રેશન કરાવવા માટે ઉમેદવારોનો ધસારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.અત્યાર સુધીમાં જીકાસ પોર્ટલ થકી એમ.એસ.યુનિવર્સિટીમાં પીએચડી કરવા માટે ૧૫૦૦ જેટલા ઉમેદવારો ફોર્મ ભરી ચુકયા છે અને હવે ફોર્મ ભરવાની તારીખ લંબાવીને તા.૧૫ ઓકટોબર કરવામાં આવી છે.જેના કારણે ઉમેદવારોની સંખ્યા હજી વધી શકે છે.
યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, રાજ્યની અન્ય કેટલીક યુનિવર્સિટીઓએ પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે.જ્યારે એમ.એસ.યુનિવર્સિટી આ વર્ષે પીએચડી પ્રવેશ પરીક્ષા લેવાની નથી.યુનિવર્સિટી સત્તાધીશોએ તા.૩૧ ડિસેમ્બર સુધીમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવાનું નક્કી કર્યું છે.આમ અન્ય યુનિવર્સિટીઓના મુકાબલે એમ.એસ.યુનિવર્સિટીમાં વહેલું રજિસ્ટ્રેશન શક્ય બને તેમ છે.
યુનિવર્સિટી સત્તાધીશોએ આ વખતે પીએચડી માટે એવો નિયમ બનાવ્યો છે કે, જે ે અધ્યાપકો પીએચડી ગાઈડ તરીકે કામ કરે છે તેમણે પીએચડી માટે ફાળવવામાં આવેલા વિદ્યાર્થીને સ્વીકારવા જ પડશે.અગાઉ એવુ બન્યુ છે કે, અધ્યાપકો કાર્યભારનું કારણ આગળ ધરીને ઉમેદવારોને પોતાના હાથ નીચે પીએચડી કરાવવાની ના પાડી દેતા હતા.સત્તાધીશોએ દરેક ફેકલ્ટીમાં પીએચડી રજિસ્ટ્રેશનને ધ્યાનમાં રાખીને કો ઓર્ડિનેટરની નિમણૂક પણ કરી છે.
પીએચડી રજિસ્ટ્રેશનની કાર્યવાહી દરમિયાન વિદ્યાર્થીએ પહેલા ફી ભરવાની અને એ પછી તેનો પીએચડી ટોપિક ફાઈનલ થશે.આ પ્રકારની જોગવાઈથી આશ્ચર્ય સર્જાયું છે.સામાન્ય રીતે વિદ્યાર્થીઓનો પીએચડીનો વિષય નક્કી થાય તે પછી ફી ભરવામાં આવતી હોય છે.