Get The App

વીસીના ઘરમાં ઘૂસીને દેખાવો કરનાર વિદ્યાર્થીઓની સામે કાર્યવાહીની હિલચાલ

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
વીસીના ઘરમાં ઘૂસીને દેખાવો કરનાર વિદ્યાર્થીઓની સામે કાર્યવાહીની હિલચાલ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં પ્રવેશની સાથે મેસ ફી ફરજિયાત ભરવાનો નિર્ણય હોસ્ટેલના વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સેલરના ઘરમાં ઘૂસીને કરેલા ઉગ્ર આંદોલનના કારણે પાછો ખેંચવો પડયો છે.હવે આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગ બદલ કાર્યવાહી કરવાનો તખ્તો ઘડાયો છે.

મળતી વિગતો પ્રમાણે શનિવારે સાંજે વાઈસ ચાન્સેલરે ચીફ વોર્ડન અને તમામ વોર્ડનનો એક બેઠક બોલાવી હતી.આંદોલન કરનાર હોસ્ટેલ યુનિટી ગુ્રપના પાર્થ પંડયાએ કહ્યુ તુ કે, આ બેઠકમાં આંદોલન સમયના વિડિયો મંગાવીને જોવામાં આવ્યા છે અને વોર્ડનોને  વાઈસ ચાન્સેલરે આદેશ આપ્યો છે કે,  આંદોલનમાં સામેલ જે પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય તેમને ઓળખી કાઢવામાં આવે.જેથી તેમની સામે કાર્યવાહી કરવા માટે કમિટિ બનાવી શકાય.સાથે સાથે વાઈસ ચાન્સેલરે વોર્ડનનો તતડાવ્યા હતા કે, તમારાથી તમારા હોલના વિદ્યાર્થીઓ કંટ્રોલ નથી થતા..

હોસ્ટેલ યુનિટી ગુ્રપનુ કહેવુ છે કે, હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના વોટસએપ ગુ્રપ બનાવવામાં આવ્યા છે.આ વોટસએપ ગુ્રપના એડમિન કોણ છે અને  આંદોલનને લઈને કોણે કોણે મેસેજ કર્યા હતા તે શોધી કાઢવા માટે પણ વોર્ડનોને સૂચના આપવામાં આવી છે.આમ હવે  વિદ્યાર્થીઓની જાસૂસી કરીને તેમની  પ્રાઈવસીનો ભંગ કરવામાં પણ વાઈસ ચાન્સેલરને છોછ નથી રહ્યો.જો આંદોલન કરનાર કોઈ પણ  વિદ્યાર્થી સામે કમિટિ બની તો હોસ્ટેલના સેંકડો વિદ્યાર્થીઓ ફરી એક વખત યુનિવર્સિટી હેડ ઓફિસે આંદોલન કરશે.કમિટિને એક સાથે ૨૦૦ વિદ્યાર્થીઓને સાંભળવા માટે તૈયાર રહેવુ પડશે.ઉલ્લેખનીય છે કે, આ આંદોલનમાં વિદ્યાર્થિનીઓ પણ સામેલ હતી.આંદોલન કરનારાઓ સામે કાર્યવાહી થશે તો વિવાદ વધારે વકરશે.



Google NewsGoogle News