એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશની સમસ્યા સર્જાવાના એંધાણ
વડોદરાઃ ધો.૧૨ સામાન્ય પ્રવાહના ઉંચા પરિણામ બાદ વડોદરામાં કોમર્સના વિદ્યાર્થીઓ માટે પ્રવેશની સમસ્યા સર્જાવાના એંધાણ વરતાઈ રહ્યા છે.
મળતી વિગતો પ્રમાણે રિપિટર વિદ્યાર્થીઓની સાથે ગણતરી કરવામાં આવે તો વડોદરા શહેર અને જિલ્લામાંથી ૧૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ઉત્તીર્ણ થયા છે.જેમાંથી મોટાભાગના આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ લેશે.કેટલાક વિદ્યાર્થીઓ બીબીએ તો કેટલાક વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ગર્લ્સ હોમસાયન્સ પર પણ પસંદગી ઉતારશે.આમ છતા એફવાયબીકોમમાં ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય તેવી શક્યતા છે.
કારણકે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોમર્સ ફેકલ્ટીએ ૫૩૮૦ બેઠકો પર પ્રવેશ આપવાનુ નક્કી કર્યુ છે.ઈકોનોમિકલી વીકર સેક્શન એટલે કે ઈડબલ્યુએસ કેટેગરીની બીજી ૧૦ ટકા બેઠકો માટે સત્તાધીશોએ સરકારની મંજૂરી માંગી છે.આ બેઠકો ઉમેરવામાં આવે તો પણ ૬૦૦૦ની આસપાસ વિદ્યાર્થીઓને આ વર્ષે પ્રવેશ મળશે.તેમાં પણ ૩૦ ટકા બેઠકો બહારગામના વિદ્યાર્થીઓ માટે અનામત રહેતી હોવાથી વડોદરાના વિદ્યાર્થીઓ માટે ૪૨૦૦ જેટલી બેઠકો રહેશે.આમ એફવાયબીકોમમાં પ્રવેશ માટે પડાપડી થાય અને પ્રવેશ માટેનુ મેરિટ ઉંચુ રહે તેવી શક્યતા છે.યુનિવર્સિટી સત્તાધીશોએ ગત વર્ષથી કોમર્સ ફેકલ્ટીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના નામે એફવાયની ૨૦૦૦ બેઠકો ઘટાડી નાંખી છે અને તેના કારણે ગત વર્ષે પણ પ્રવેશની સમસ્યા સર્જાઈ હતી.સત્તાધીશોના નિર્ણય સામે ગત વર્ષે વડોદરામાંથી કોઈએ વિરોધ નહીં કર્યો હોવાથી આ વર્ષે પણ બેઠકોમાં વધારો થવાનો નથી.જેના કારણે વડોદરાના વિદ્યાર્થીઓને ખાનગી કોલેજોમાં ઉંચી ફી ભરીને બીકોમ કરવુ પડે તેવુ પણ બની શકે છે.