રેલવે પ્લેટફોર્મ પર સ્ટોલના મેનેજર પર ફેરિયાનો હુમલો
મધ્યપ્રદેશમાં વતનની મિલકત બાબતે સાળાનું ઉપરાણું લઇ હુમલો કરી ધમકી પણ આપી
વડોદરા, તા.27 મિલકત વહેંચણી બાબતે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોરમ પર સ્ટોલના મેનેજર પર હુમલો કરી ચાની ફેરી કરતા શખ્સે માર મારી ધમકી આપી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ મધ્યપ્રદેશના મૂળ રહીશ અને હાલ ડી કેબિન પાસે ઉમિયાનગર સોસાયટીમાં રહેતો રાજેશ બાબુલાલ દાયમા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-૨ પર જી.ડી. અહલુવાલીયા એન્ડ સન્સના સ્ટોલ પર સ્ટોલ મેનેજર તરીકે નોકરી કરે છે. સવારે સાત વાગે તે નોકરી પર જતો હતો ત્યારે પ્લેટફોર્મ નંબર-૨ પર અમદાવાદ તરફના છેડા પર ચાની ફેરી કરતા પ્રભુ ડુંગર ચાવડા (રહે.કિસ્મતનગર સોસાયટી, બાજવા, મૂળ ઇમલીપુરા, જિલ્લો ધાર, મધ્યપ્રદેશ)એ ઝઘડો કરી મિલકતમાં તમારે ભાગ નહી લેવાનો તેમ કહી જાહેરમાં માર મારી ધમકી આપી હતી.
રાજેશે પ્રભુ સામે રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પત્ની રાધા અને સાળો મુરલી માંગીલાલ ચાવડા જે વડાપાંવની ફેરી કરે છે તેનું ઉપરાણું લઇને પ્રભુએ મારા પર હુમલો કરી ધમકી આપી હતી. ઉપરોક્ત ફરિયાદના પગલે રેલવે પોલીસે કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે.