ધર્મમાં રાજકારણ : શું છે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરનાં વિવાદનું મૂળ...
- શું છે સોખડા હરિધામનો વિવાદ ?
- વિવાદ અત્યાર સુધી એટલી હદે વકર્યો છે કે હવે 150 મોટા સંતોમાં પણ ભાગલા પડી ગયા
વડોદરા, તા. 21 એપ્રિલ 2022, ગુરૂવાર
હરિધામ સોખડાને ગુજરાતના ટોચના તીર્થક્ષેત્ર બનાવનાર હરિપ્રસાદ સ્વામીના બહ્મલીન થયા બાદ છેલ્લા ઘણા સમયથી સંતોના બે જૂથ વચ્ચે ગાદી અને મંદિરના વહીવટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં એક તરફ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીના ગુરૂભાઈ પ્રેમસ્વરૂપ સ્વામી છે તો બીજી તરફ હરિપ્રસાદ સ્વામીના શિષ્ય પ્રબોધ સ્વામી છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી.
- કઈ રીતે શરૂ થયો હતો વિવાદ?
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હરિપ્રસાદ સ્વામી પહેવા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હતાં. તેમણે વર્ષ 1971માં સોખડા ખાતે પ્રથમ 5 સંતોને દીક્ષા આપીને સંપ્રદાયની શરૂઆત કરી હતી. જો કે, જુલાઈ 2021માં હરિપ્રસાદસ્વામીના નિધન બાદ તેમના વારસદારની નિમણૂક માટે 2 સંતો (પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી)ના સમર્થકોએ પોતપોતાના ગુરૂને દાવેદાર તરીકે રજૂ કરતાં વિવાદ થયો હોવાનું કહેવાય છે. આ વિવાદ અત્યાર સુધી એટલી હદે વકર્યો છે કે હવે 150 મોટા સંતોમાં પણ ભાગલા પડી ગયા છે અને મુખ્ય ગુરૂની ગાદી માટે પ્રબોધસ્વામી અને પ્રેમસ્વામીના ભક્તો 2 જૂથમાં વહેંચાઈ ગયા છે.
- પ્રબોધ સ્વામી જૂથના સંતોએ મંદિર છોડવાની જાહેરાત કરી
હરિધામ સોખડા મંદિરનો વિવાદ હવે પોતાની પરાકાષ્ઠા સુધી પહોંચી ગયો છે. ધાર્મિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા પણ સમાધાનના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ નિષ્ફળ ગયા હતા. તેવામાં આજે પ્રબોધ સ્વામી સહિત હરીધામમાં નિવાસ કરતાં 200થી 250 જેટલા સંતો-સાધકો કામરેજ ભરથાણ ખાતે આવેલી આત્મીય સ્કૂલ ખાતે જવા રવાના થશે.
- પ્રેમસ્વરૂપ સ્વામીના જૂથમાં સન્નાટો
પ્રબોધસ્વામીના હરિધામ છોડવાના નિર્ણય લઈને ખળભળાટ મચી ગયો છે. પ્રબોધ સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી, ભક્તપ્રિય સ્વામી, સોહાર્દય સ્વામી, મૈત્રી સ્વામી, ભ્રમવિહાર સ્વામી અને હરિપ્રિય સ્વામી સાથે તમામ વડીલો મંદિર છોડવાના છે. બીજી તરફ પ્રબોધસ્વામીના આ નિર્ણયથી હાલમાં મંદિરનો વહિવટ સંભાળી રહેલા પ્રેમસ્વરૂપ સ્વામીના જૂથમાં સન્નાટો વ્યાપી ગયો છે. હરિધામ મંદિર મેનેજમેન્ટે મંદિર પરીસરમાં જાહેર નોટિસો લગાવવામા આવી છે કે, કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર હરિધામ સોખડા પરિસર છોડવાની મંજૂરી મળી શક્શે નહી.
Vadodara, Haridham Sokhada temple, Prabodh Swami, Prem swarup Swami, Saint Saral Swami ,