ફ્લડ ટુરિઝમ કરનારા નેતાઓએ ઉલટાનું મુશ્કેલી વધારી, એકને બોટ વડે બહાર કઢાયા તો બીજા સેલ્ફીને કારણે વિવાદમાં
વડોદરાઃ પૂરની કામગીરી દરમિયાન કામગીરીમાં જવાનોની સાથે જતા નેતાઓ ક્યારેક કામગીરી વધારતા હોય છે.જેના બે કિસ્સા ચર્ચામાં રહ્યા છે.
કારેલીબાગ બુધ્ધદેવ કોલોની વિસ્તારમાં પૂરને કારણે ફાયર બ્રિગેડ દ્વારા લોકોને ફૂડ પેકેટ્સ અને પાણીનું વિતરણ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી.જે દરમિયાન ફાયર બ્રિગેડની સાથે તેમના વાહનમાં ગયેલા રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ અને અન્ય લોકોનું વાહન ખોટકાતાં સલવાયા હતા.
પૂરના પાણી વધુ વિકટ બની રહ્યા હોવાથી તત્કાળ બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ફસાયેલા નેતા તેમજ અન્ય લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આવી જ રીતે સયાજીગંજના ધારાસભ્ય કેયૂર રોકડિયા તેમજ કોર્પોરેશનના સભા સેક્રેટરી ચિંતન દેસાઇ સહિતની ટીમ સયાજી સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. આ વખતે કોઇએ સેલ્ફી લેતાં એકઠા થયેલા લોકો એ આક્રોશ વ્યક્ત કર્યો હતો.