સુરત લોકસભાની ચૂંટણીનો વડોદરામાં પોલિટિકલ ડ્રામા,,BSP ના ઉમેદવારને શોધવા હલ્લાબોલ બાદ દારૃની રેડ
વડોદરાઃ સુરત લોકસભાની બેઠક બિનહરીફ કરાવવા માટે છેલ્લા બાકી રહેલા બહુજન સમાજ પાર્ટીના એક ઉમેદવાર વડોદરામાં છુપાયા હોવાની માહિતીને પગલે ગઇરાતે સમા વિસ્તારના મકાનમાં પોલિટિકલ ડ્રામા જોવા મળ્યો હતો.જો કે ઉમેદવાર અહીં મળ્યા નહતા.
પ્રાપ્ત વિગતો મુજબ,સમા વિસ્તારમાં અભિલાષા ચોકડી પાસે આવેલી ગાયત્રી પાર્ક સોસાયટીમાં બહુજન સમાજ પાર્ટીના આગેવાન સુરેન્દ્રસિંહ કલોરિયાનું મકાનં છે.સુરતમાં લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર સામે ફોર્મ પાછા ખેંચવાની મુદત પહેલાં એક માત્ર બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી રહ્યા હોવાથી ચૂંટણી કરવી પડે તેમ હતી.
પ્યારેલાલ ભારતી વડોદરાના સમા વિસ્તારમાં આવેલા સુરેન્દ્રસિંહના મકાને હાજર હોવાની વિગત મળતાં ભાજપના કેટલાક કાર્યકરો મધરાત બાદ મકાને આવ્યા હતા.આ સમયે મકાનમાં રહેતા પરિવારજનો જાગી જતાં મહિલાએ પોલીસ કંટ્રોલરૃમને ફોન કરવાની ચીમકી આપતાં કાર્યકરો ચાલ્યા ગયા હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે.
ઉપરોક્ત બનાવ બાદ બપોરે ૧૨ વાગ્યાના અરસામાં સમા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ બી રાઠોડ મહિલા પોલીસ સાથેની ટીમને લઇ આવ્યા હતા અને મકાનમાં દારૃ છે તેવી કંટ્રોલરૃમની વર્દીને આધારે સર્ચ કર્યું હતું.પરંતુ મકાનમાં દારૃ કે પ્યારેલાલ મળ્યા નહતા.જો કે સમગ્ર બનાવમાં પરિવારજનોએ પોલીસને કોઇ પણ પ્રકારની ફરિયાદ કરી નહતી.જ્યારે પ્યારેલાલે સુરતમાં ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.