વડોદરામાં લૂંટારા બેફામઃલૂંટના ત્રણ બનાવ બનતાં પોલીસ આંગડિયા અને જ્વેલર્સને સુરક્ષા આપશે

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
વડોદરામાં લૂંટારા બેફામઃલૂંટના ત્રણ બનાવ બનતાં પોલીસ આંગડિયા અને જ્વેલર્સને સુરક્ષા આપશે 1 - image

સયાજીગંજ વિસ્તારમાં પોલીસના સ્વાંગમાં આવેલા લૂંટારાઓએ રૃ.૧૬ લાખ લૂંટી લેવાના બનાવ બાદ શહેર પોલીસ એક્શનમાં આવી છે અને આ પ્રકારનો બનાવ બીજીવાર ના બને તે માટે આંગડિયા પેઢી તેમજ જ્વેલર્સને સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે.

ભીમનાથ  બ્રિજ પર લૂંટારાઓએ પોલીસ તરીકે ઓળખ આપી આંગડિયા કર્મચારી હરપાલસિંહનો થેલો ચેક કરવા લીધો હતો.બે જણાએ તેને વાતોમાં પરોવ્યો હતો અને બીજા બે જણાએ થેલામાં મુકેલી રૃ.૩૬ લાખની કેશમાંથી રૃ.૧૬ લાખ કાઢી લીધા હતા.

ઉપરોક્ત બનાવ બાદ શહેર પોલીસ કમિશરની સૂચનાથી એસીપી ડી જે ચાવડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ આંગડિયા પેઢીના સંચાલકો તેમજ જ્વેલર્સ શો રૃમના સંચાલકો સાથે મીટિંગ કરી હતી.પોલીસે મોટી રકમની હેરાફેરી કરવી હશે તો સશસ્ત્ર સુરક્ષા આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

આ ઉપરાંત પોલીસ આંગડિયા પેઢીના કર્મચારી સાથે સાદાવેશમાં રહી નજર રાખશે.પોલીસે આંગડિયાવાળાઓને કેશની રકમની હેરાફેરી માટે ટુવ્હીલરને બદલે ફોર વ્હીલરનો ઉપયોગ કરવા અને એક થી વધુ કર્મચારી સાથે રાખવા અપીલ કરી હતી.જ્યારે ચોકસીઓને હથિયારધારી ગાર્ડ રાખવા અને ખરીદી કરનાર ગ્રાહકો તેમના વાહન પાસે પહોંચે ત્યાં સુધી સુરક્ષા આપવા સૂચના આપી હતી.

 આંગડિયાના કર્મચારીને લૂંટનારા લૂંટારાનું છેલ્લું લોકેશન ગોધરા રોડ

16 લાખ પડાવી લેનારા લૂંટારાઓ ગોધરા તરફ ભાગ્યા હોવાનું પોલીસ માની રહી છે.

ભીમનાથ  બ્રિજ પર મોટર સાઇકલ પર આવેલા ચાર લૂંટારાઓની તપાસ કરતી પોલીસને મહત્વના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે.જેને આધારે પોલીસ વાહનોની નંબર પ્લેટો તપાસી રહી છે.

આ ઉપરાંત લૂંટારાઓનું છેલ્લું લોકેશન હાલોલ-ગોધરા રોડ તરફ દેખાતાં તેઓ ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ રસ્તેથી ફરાર થઇ ગયા હોવાની આશંકા સેવાઇ રહી છે.

સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસે જ સિનિયર સિટિઝન કાર ચાલકને રોકી 50 હજાર લૂંટનાર પકડાયો

સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીક સાંજના સમયે કાર ચાલકને ચપ્પુ બતાવી રોકડની લૂંટ ચલાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.

નિઝામપુરાની નટરાજ સોસાયટીમાં રહેતા સિનિયર સિટિઝન ચીમનભાઈ મિત્તલે પોલીસને કહ્યું છે કે,ગઈકાલે સાંજે કાર લઈ રેલ્વે સ્ટેશન નજીક કડક બજાર પાસેથી પસાર થતો હતો ત્યારે એક બાઈક સવાર મારી નજીક આવ્યો હતો અને કાચ ખખડાવી કાર ઊભી રખાવી હતી.

બાઈક ચાલકે મેં પહેરેલું સોનાનું કડુ માગ્યું હતું.જે આપવાનો ઇન્કાર કરતાં તેણે મને લાફો માર્યો હતો અને ચપ્પુ બતાવી ખિસ્સામાંથી રૃ.૫૦ હજાર  લૂંટી ફરાર થઈ ગયો હતો.બનાવની જાણ સયાજીગંજ પોલીસને કરતા પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સ મારફતે તપાસ કરી ગણતરીના કલાકોમાં આરોપી મોહસીન ઉર્ફે માંજરો યાકુબભાઈ પટેલ (સોદાગરની ચાલ, તાંદલજા મૂળ રહે. સહકાર નગર તાંદલજા) ને ઝડપી પાડી રોકડ અને ચપ્પુ કબજે કર્યા છે.

રૃ.16 લાખની લૂંટના બનાવ બાદ પોલીસ એક્શનમાં હતી છતાં અછોડો તૂટયો

અલકાપુરી હવેલી પાસે સ્કૂટર સવારનો અછોડો લૂંટી બાઇક પર બે લૂંટારા ફરાર

સયાજીગંજના ભીમનાથ બ્રિજ પર ગઇ તા.૪થીએ બપોરે આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી રૃ.૧૬ લાખની કેશ લૂંટી લેવાના બપોરે બનાવ  બાદ પોલીસ નાકાબંધી કરી વાહનો ચેકિંગ કરતી હતી તેમ છતાં તે જ દિવસે રાતે અલકાપુરી વિસ્તારમાં અછોડો લૂંટવાનો બનાવ બન્યો હતો.

અકોટા ગાય સર્કલ પાસે સુમનપાર્ક ફ્લેટ્સમાં રહેતા પ્રફુલ્લ ઠાકોરે(મૂળ ખંભાત) પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૪થી એ રાતે  સાડા દસેક વાગે હું મારા સ્કૂટર પર અલકાપુરી પ્રોડક્ટિવિટી રોડ પર હવેલી નજીકથી પસાર થતો હતો ત્યારે બાઇક પર બે લૂંટારાએ મને આંતર્યો હતો.

આ પૈકી પાછળ બેઠેલા લૂંટારાએ મારા ગળામાં હાથ નાંખી રૃ.એક તોલા ઉપરાંતની વજનની ચેન તોડી લીધી હતી અને બંને જણા દિનેશમીલ તરફ ફરાર થઇ ગયા હતા.


Google NewsGoogle News