તાલમેલ નહિ હોવાથી કોર્પોરેશનના CCTV પોલીસ માટે બિનઉપયોગી,700 વધુ કેમેરા મુકાવશે
વડોદરાઃ પોલીસ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની રાજ્ય પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનરે વડોદરામાં ૭૦૦ જેટલા સીસીટીવી કેમેરા મૂકવાનો નિર્ણય લીધો છે.
ગઇકાલે જ રાજ્ય પોલીસ વડાએ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન પોલીસને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની તાકિદ કરવામાં આવી હતી અને તે મુજબ સમન્સ,વોરંટ અને નોટિસો ઓનલાઇન મોકલવાની તૈયારી કરવામાં આવી છે.
તો બીજીતરફ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે શહેરમાં જુદા જુદા સંવેદનશીલ વિસ્તારો તેમજ અન્ય સ્થળોનો સર્વે કરી વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ વધુ ૭૦૦ જેટલા સીસીટીવી કેમેરા મુકવાનો નિર્ણય લીધો છે.જેને રાજ્ય સરકારે મંજૂરી પણ આપી છે.
હાલમાં પોલીસ તેમજ કોર્પોરેશનના સીસીટીવી કેમેરા ઠેરઠેર લાગેલા છે.પરંતુ કોર્પોરેશન અને પોલીસ વચ્ચે સંકલન નહિ થયું હોવાથી કેમેરાના એન્ગલ તેમજ લોકેશન અલગ પડી જાય છે જેથી મોટાભાગના કેમેરા પોલીસ માટે ઉપયોગી થતા નથી.