વડોદરામાંશ્રીજી વિસર્જન અને ઇદની શાંતિપૂર્ણ ઉજવણીઃડ્રોન,સીસીટીવી અને બોડીવોર્ન કેમેરાથી નજર

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
વડોદરામાંશ્રીજી વિસર્જન અને ઇદની શાંતિપૂર્ણ ઉજવણીઃડ્રોન,સીસીટીવી અને બોડીવોર્ન કેમેરાથી નજર 1 - image

વડોદરાઃ વડોદરામાં ગણેશ વિસર્જન અને ઇદ એ મિલાદની કોમી એખલાસના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.જેને કારણે લાંબા સમયથી મહોલ્લા મીટિંગો અને બહારની પોલીસની મદદ લઇ બંદોબસ્ત ગોઠવનાર પોલીસની મહેનત ફળી હતી.

શહેરમાં આજે સવારથી શ્રીજીની સવારીઓ ઠાઠ પૂર્વક નીકળી હતી.પોલીસને દરેક સવારી સાથે રહેવા માટે સૂચના આપવામાં આવી હોવાથી કોઇ પણ અનિચ્છનીય બનાવ વગર વિસર્જનની સવારીઓ કૃત્રિમ તળાવો ખાતે પહોંચી હતી.તો બીજીતરફ ઇદ એ મિલાદ નિમિત્તે પણ પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હોવાથી બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતા. આવતી કાલે ઇદના જુલુસ નીકળનાર હોવાથી પોલીસનો બંદોબસ્ત ચાલુ રહેશે.

શ્રીજી વિસર્જન યાત્રાઓ દરમિયાન પોલીસ દ્વારા ડ્રોન,સીસીટીવી અને ૬૦૦ થી વધુ બોડીવોર્ન કેમેરાથી સજ્જ જવાનોનો બંદોબસ્ત ખૂબ ઉપયોગી રહ્યો હતો.પોલીસ કંટ્રોલ રૃમમાંથી પણ બંદોબસ્ત પર નજર રાખવામાં આવી રહી હતી.

બપોર બાદ અનેક વિસ્તારમાં સવારીઓ નીકળતાં પોલીસે મુખ્ય માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કર્યો હતો અને જાહેરનામા મુજબ જુદાજુદા માર્ગે ડાઇવર્ટ કર્યો હતો. પોલીસ કમિશનર દ્વારા વિસર્જન કરાયેલી મૂર્તિઓની સંખ્યા અને વ્યવસ્થાની વિગતો મેળવવામાં આવી રહી હતી.


Google NewsGoogle News