બોયફ્રેન્ડે ડ્રગ્સનો ઓવરડોઝ આપ્યો હોવાનું યુવતીએ કહેતા પોલીસ દોડતી થઇ
બોયફ્રેન્ડ સાથે લગ્નના મુદ્દે સમાધાન થઇ જતા હવે મારે કશું કરવું નથી, તેવું કહીને યુવતી જતી રહી
વડોદરા,આજે બપોરે પોણા બાર વાગ્યે કડકડાટ ઇંગ્લિશ બોલતી એક યુવતી સયાજી હોસ્પિટલમાં આવી હતી. તેણે એવી કેફિયત રજૂ કરી હતી કે, મને મારા બોય ફ્રેન્ડ દ્વારા ડ્રગ્સનો ઓવર ડોઝ આપવામાં આવ્યો છે. યુવતીની રજૂઆતના પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી. પરંતુ,યુવતીને બોયફ્રેન્ડ સાથે સમાધાન થઇ જતા હવે મારે કશું કરવું નથી. તેવું કહીને જતી રહી હતી.
આ અંગેની વિગત એવી છે કે, આજે બપોરે પોણા બાર વાગ્યે ૨૨ વર્ષની એક યુવતી સયાજી હોસ્પિલમાં નશાની હાલતમાં આવી હતી. કડકડાટ ઇંગ્લિશ બોલતી યુવતીએ ડોક્ટર સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, મારા બોયફ્રેન્ડે મને ડ્રગ્સનો ઓવર ડોઝ આપી દીધો છે. દરમિયાન પોલીસ કંટ્રોલ રૃમમાં તેને કોલ કરીને મદદ માંગતી રાવપુરા પોલીસની શી ટીમ સયાજી હોસ્પિટલમાં પહોંચી હતી. તે સમયે યુવતી નશાની હાલતમાં હતી. તેની સારવાર ચાલુ હતી. થોડી સ્વસ્થ થતા પોલીસને તેણે જણાવ્યું હતું કે, હું ગોત્રી વિસ્તારમાં રહું છું. જે ગોરવા પોલીસ સ્ટેશનની હદ આવતી હોઇ શી ટીમ તેને ગોરવા પોલીસ સ્ટેશન મૂકી આવી હતી.
ગોરવા પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, યુવતી મૂળ એમ.પી.ના છીદવાડાની રહેવાસી છે અને હેદ્રાબાદની એક આઇ.ટી.કંપનીમાં નોકરી કરતી હતી. ફોન પર તેનો સંપર્ક વડોદરાના એક યુવક સાથે થતા તે વડોદરા આવી હતી. ત્યારબાદ તેનો બોયફ્રેન્ડ તેને ગોત્રી વિસ્તારના એક મકાનમાં લઇ ગયો હતો. ત્યાં બોયફ્રેન્ડે યુવતીને ડ્રગ્સનો ઓવરડોઝ આપ્યો હતો. તેની ચુંગલમાંથી છૂટીને તે સયાજી હોસ્પિટલમાં પહોંચી હતી.
પરંતુ, છેવટે તેણે પોલીસને કહ્યું કે, મારે બોયફ્રેન્ડ સાથે સમાધાન થઇ ગયું છે. મારે કશું કરવું નથી. પોલીસનું કહેવું છે કે, યુવતી અને તેના બોયફ્રેન્ડ વચ્ચે લગ્ન બાબતે તકરાર હતી. જેના કારણે યુવતીએ આવી હીસ્ટ્રી હોસ્પિટલમાં જણાવી હતી. પરંતુ, સમાધાન થઇ જતા યુવતીએ હવે મારે કશું કરવું નથી.તેવું જણાવ્યું હતું.