ચેન્નાઇના વેપારી પાસેથી રૃપિયા પડાવનાર ઠગની શોધખોળ કરતી પોલીસ
આરોપીઓ વિરૃદ્ધના પુરાવા એકત્રિત કરવા માટે પોલીસની કવાયત
વડોદરા,ચેન્નાઇમાં ધિરધારનો વેપાર કરતા એક વેપારીના પુત્રને વિશ્વાસમાં લઇ વડોદરાના ઉત્સવ,તેની ફ્રેન્ડ અને અન્ય એક મિત્રએ જુદાજુદા બહાના બતાવી રૃ.૧૮.૬૦ લાખની છેતરપિંડી કરનાર આરોપીઓની સયાજીગંજ પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ચેન્નાઇના કાંચીપુરમ ખાતે રહેતા સુનિલ હનુરામ ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,જૂન-૨૦૨૧માં બેટલ ગ્રાઉન્ડ ઇન્ડિયા લિ.ના નામે ઓનલાઇન ગેમ રમતો હતો ત્યારે વડોદરાના ઉત્સવ માળી નામના યુવક સાથે મિત્રતા થઇ હતી. ત્યારબાદ સોશ્યલ મીડિયા પર સંપર્ક વધુ ગાઢ બન્યો હતો. ઉત્સવે પોતે દિલ્હી એઇમ્સમાં મોટો હાર્ટ સર્જન હોવાનું અને વડોદરામાં મોટો બંગલો બનાવી રહ્યો હોવાનું કહ્યું હતું.
તેણે કહ્યું હતું કે મારો પગાર મકાનમાં ખર્ચાઇ જાય છે અને પોકેટમનીની જરૃર છે.જે હું પરત કરી દઇશ.જેથી મેં તેના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતી.ત્યારબાદ ઉત્સવે કોલેજની ફેરવેલ પાર્ટી માટે રૃ.૨૦ હજાર, દાદીનો બર્થ ડે હોવાથી આઇફોન માટે રૃ.૧.૧૧ લાખ,કરોડપતિ યુવતી વિધિ કુમાવત સાથે લગ્ન થવાના છે..મારી ૨૦૦ કરોડની જમીન વેચાવી આપો..રૃ.૧૦૦ કરોડનો ચેક બાઉન્સ થાય તેમ છે..જેવા કારણો બતાવી કુલ રૃ.૧૮.૬૦ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.સયાજીગંજ પોલીસે ઉત્સવ માળી,વિધિ કુમાવત અને બેન્ક મેનેજર બનેલા ધુ્રવ પટેલ સામેેેેેેેેેે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં સામેલ આરોપીઓ હજી પોલીસની પહોંચથી દૂર છે. આરોપીઓ વિરૃદ્ધ પોલીસ પુરાવાઓ એકત્રિત કરી રહી છે.