બોડેલીની બોગસ સિંચાઇ કચેરીનું તાળું તોડી પોલીસનું એક કલાક સર્ચ
લાંબા સમયથી બનેલો કોમ્પ્લેક્સ લગભગ ખાલી હોવાથી ઓફિસ માટે ફ્લેટની જગ્યા પસંદ કરી
બોડેલી તા.૨૮ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં કાર્યપાલક ઇજનેર સિંચાઇ પ્રોજેકટ ડીવીઝન બોડેલી નામની બોગસ કચેરી ઉભી કરી કાર્યપાલક ઇજનેરના કુલ-૯૩ કામોના રૃ.૪.૧૫ કરોડ જેટલી માતબર રકમનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ બંને ભેજાબાજોને આજે પોલીસ બોગસ કચેરી લાવી કચેરીનું તાળું તોડી તપાસ હાથ ધરી અંદરથી દસ્તાવેજો કબજે કર્યા હતા.
બોડેલીના મોડાસર ચાર રસ્તા પાસે માંકણી જવાના રોડ પર આવેલ વ્રજ હાઇટ્સમાં ૨૧૧ નંબરના ફ્લેટમાં સંદિપ રાજપૂત અને અબુબકર સૈયદે કાર્યપાલક ઇજનેર સિંચાઇ પ્રોજેકટ ડીવીઝન બોડેલી નામની ખોટી કચેરી ઉભી કરી પ્રાયોજના વહીવટદાર કચેરીમાં દરખાસ્તો મોકલી ગ્રાન્ટ મેળવીને રૃા.૪.૧૫ કરોડની રકમ મેળવી સરકારને ચૂનો લગાડયો હતો . આ અંગે છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ થતા બન્ને આરોપી સંદિપ રાજપુત અને અબુબકર સૈયદના ૧૨દિવસના રિમાન્ડ મેળવી આજે છોટાઉદેપુર પોલીસ બન્ને આરોપીઓને બોડેલી લાવી મોડાસર ચાર રસ્તા પાસે બોગસ કચેરીનું તાળું તોડી અંદર રાખેલા દસ્તાવેજોની તપાસ કરી એક કલાક સર્ચ ઓપરેશન કરી કાગળો દસ્તાવેજ કબજે કર્યા હતા.
લાંબા સમયથી બનેલા અને કોઇની અવરજવર ના હોય તેવો આ કોમ્પ્લેક્સ કૌભાંડીઓએ બોગસ ઓફિસ બનાવવા માટે પસંદ કર્યો હતો. મોડાસર ચોકડી પાસે આવેલ વ્રજ હાઇટ્સ ઘણા સમયથી બની તૈયાર છે પરંતુ કોમ્પલેક્ષમા માંડ બે ત્રણ ફ્લેટ લોકો રહે છે જેથી કોમ્લેક્સ લોકોની અવરજવર ઓછી હોવાથી બોગસ ઓફિસ ઉભી કરવા માટે અનુકૂળ જગ્યા હતી.