કોર્પોરેશને મારેલું સીલ ખોલીને પોલીસે અન્ય રાઇડ્સ અને બોટના પંચનામા કર્યા
એફ.એસ.એલ.ની ટીમ દ્વારા વધુ તપાસ કરાવવામાં આવી
વડોદરા,બોટ દુર્ઘટનાની તપાસ માટે બનાવવામાં આવેલી સીટમાં સામેલ એસીપી ક્રાઇમ એચ.એ.રાઠોડે જણાવ્યું હતું કે, ગઇકાલે પોલીસ દ્વારા એફ.એસ.એલ.ની ટીમને સ્થળ પર બોલાવી તપાસ કરાવવામાં આવી હતી. આગામી દિવસોમાં એફ.એસ.એલ. પાસેથી બોટ ઉંધી વળવા અંગેની તમામ શક્યતાઓની માહિતી મેળવ્યા પછી પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સટ્રક્શન કરાવવામાં આવશે. કોર્પોરેશને લેક ઝોનને મારેલું સીલ તોડીને પોલીસે ઓફિસ, લેક ઝોનની અન્ય રાઇડ્સ, બંધ હાલતમાં પડેલી બોટ, જેટી, સીસીટીવી વગેરેના પંચનામા કર્યા હતા. આ તમામ સાધનોની પણ ચકાસણી કરાવવામાં આવશે કે, તે સાધનો જોખમી હતા કે કેમ ?
બોટ બનાવનાર પૂનાની કંપનીને પોલીસનું તેડું
કંપની પાસેથી બોટના ફિટનેસ સહિતની માહિતી પોલીસ મેળવશે
વડોદરા,હરણી દુર્ઘટનામાં જે બોટ બાળકો અને શિક્ષિકા માટે મોતનું કારણ બની હતી. તે બોટ પોલીસે કબજે લીધી છે. બોટ બનાવનાર પૂનાની કંપનીના અધિકારીને પણ પોલીસે તપાસ માટે બોલાવ્યા છે. બોટ ક્યારે બની ? કેટલા વર્ષ જૂની છે ? તેનું ફિટનેસ સર્ટિફિકેટ કોણે આપ્યું ? બોટ ઉપયોગમાં લેવા લાયક હતી કે કેમ ? બોટમાં પાણી ભરાવવા પાછળ કયા કારણો હોઇ શકે ? વગેરે બાબતોની માહિતી પોલીસ કંપની પાસેથી મેળવશે. વધુમાં, બોટની ક્ષમતા ૧૪ મુસાફરોની હતી, પરંતુ, કેટલા કિલો વજનની ક્ષમતા હતી ? તેની પણ જાણકારી પોલીસ મેળવશે.
ગૂમ થયેલા પર્સ અને મોબાઇલની શોધખોળ
વડોદરા,હોડી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર શિક્ષિકાનો મોબાઇલ ફોન અને પર્સ હજી મળ્યા નથી. આજે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હરણી તળાવ પર જઇને ફોન અને પર્સની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ, હજી મળ્યા નથી.