ભાજપ કાર્યકર સચીનની હત્યામાં દાટેલા મોબાઇલ કબજે, PIની બદલીઃપાર્થના આજે રિમાન્ડ પુરા થશે
વડોદરાઃ સચીન મર્ડર કેસમાં ગોત્રી પોલીસની ગંભીર બેદરકારી ખૂલતાં કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ગોત્રીના પીઆઇની પણ બદલી કરવામાં આવી છે.તો બીજીતરફ હત્યાના મુખ્ય સૂત્રધાર પાર્થ પરીખે દાહોદની હોટલ પાસેના ખેતરમાં દાટી દીધેલા ચાર મોબાઇલ પણ પોલીસે ખોદીને શોધી કાઢ્યા છે.આ ઉપરાંત આવતીકાલે તા.5મીએ પાર્થના રિમાન્ડ પુરા થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.
સચીન મર્ડર કેસમાં ૧૫ દિવસ પહેલાં કાર પાર્કિંગના ઝઘડાની ગોત્રી પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી.જે ફરિયાદની તપાસ નહિં થતાં ભાજપનો કાર્યકર સચીને પોલીસ સ્ટેશનમાં ધક્કા પણ ખાધા હતા.જેથી અરજીની તપાસમાં ઢીલ રાખવા બદલ કોન્સ્ટેબલ પ્રવિણભાઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
હવે ગોત્રીના પીઆઇ એમ કે ગુર્જરની પણ બદલી કરવામાં આવી છે.તેમને લીવ રિઝર્વમાં મુકાયા છે અને તેમની જગ્યાએ રાજકોટથી આવેલા પીઆઇ એમ આર સંગાડાને ગોત્રી પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.
બીજીતરફ ક્રાઇમ બ્રાન્ચે ઉપરોક્ત બનાવમાં હુમલાખોરો દ્વારા જે બે કાર પર હુમલો કરાયો હતો તે બંનેના ચાલકને શોધી કાઢી નિવેદન લેવાયા છે.આ ઉપરાંત એક ત્રીજી એક કારના ચાલક વિદેશ ગયા હોવાથી તેમની પણ આવ્યા બાદ પૂછપરછ કરવામાં આવનાર છે.