ગલુદણ ગામમાં દરોડો પાડી પોલીસે નવ જુગારીને ઝડપી લીધા

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
ગલુદણ ગામમાં દરોડો પાડી પોલીસે નવ જુગારીને ઝડપી લીધા 1 - image


જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુગાર ફાલ્યો

એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને ડભોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારની બદી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ડભોડા પોલીસે ગલુદણ ગામની સીમમાં દરોડો પાડીને જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને તેમની સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આમ તો ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિના દરમિયાન જુગાર વધુ જોવા મળતો હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂણે ખાચરે જુગારની બદી વધી રહી છે ત્યારે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ગલુદણ થી વાસણા રાઠોડ જવાના રોડ ઉપર ગલુદણ ગામની સીમમાં રોડ સાઈડમાંકેટલાક ઈસમો ભેગા મળીને તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના પગલે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવતા જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. જોકે પોલીસ દ્વારા અહીં જુગાર રમતા ગલુદણ ગામના દિવ્યાંગ રામાભાઈ સોલંકી, જીગ્નેશ મનુભાઈ જાની, દશરથજી પ્રતાપજી ઠાકોર, કિરણજી રમણજી ઠાકોર, મહેશ રાવજીભાઈ ઠાકોર, નિશાંત શંભુભાઈ પટેલ, નિકુંજ રજનીકાંત જાની અને ડભોડા ગામના રમેશભાઈ રામસિંહ સોલંકી અને સંજય રમણભાઈ પટેલને ઝડપી લીધા હતા જેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ મળી ૧.૧ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા તમામ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Google NewsGoogle News