પોર ગામમાં પોલીસનો દરોડો જુગાર રમતા ચાર ઝડપાયા, બે ફરાર
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શ્રાવણ પહેલા જુગાર શરૃ
બાતમીના આધારે દરોડો પાડીને જુગારીઓ પાસેથી ૪૯ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં જુગાર વધી ગયો છે ત્યારે અડાલજ પોલીસ દ્વારા બાતમીના આધારે પોર ગામની સીમમાં દરોડો પાડીને જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે બે ભાગી જવામાં સફળ રહ્યા હતા. જેમની પાસેથી ૪૯ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં આમ તો શ્રાવણ મહિના દરમિયાન જુગારની બદી ખૂબ જ
જોવા મળતી હોય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં શ્રાવણ પહેલાં જ જુગારીઓ સક્રિય થઈ
ગયા છે ત્યારે પોલીસ પણ તેમને પકડવા માટે દોડધામ કરી રહી છે. અડાલજ પોલીસ ઇન્સ્પેક્ટર
દ્વારા ટીમને એલર્ટ રહી જુગારીઓને પકડવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેના પગલે
પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી
મળી હતી કે, પોર
ગામની સીમમાં અગાસીયાવાળી બાવળની ઝાળીમાં ભેગા થઈને કેટલાક લોકો તીન પત્તીમાં
જુગાર રમી રહ્યા છે. જે બાતમીના પગલે પોલીસ દ્વારા અહીં દરોડો પાડવામાં આવતા
જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને પોલીસે ચાર જુગારીઓને ઝડપી લીધા હતા. જ્યારે બે
ભાગી જવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલા જુગારીઓની પૂછપરછ કરતા તેમના નામ પોર ગામના
ઘનશ્યામ મહોતજી ઠાકોર,પ્રવીણ
ઉર્ફે પપ્પુ બુધાભાઈ પરમાર,
વિષ્ણુજી ગાંડાજી ઠાકોર,
બળદેવજી રાવજીજી ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું જ્યારે ભાગી ગયેલા પોર ગામના
શૈલેષ ઉર્ફે સલો રણછોડભાઈ ઠાકોર અને જગદીશ પુંજાજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ઝડપાયેલા જુગારીઓ પાસેથી ૪૯ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ
શરૃ કરી હતી.