Get The App

સાવલી તાલુકાના ચકચારભર્યા જમીન કેસમાં બોગસ ખેડૂતો બનેલી વ્યક્તિઓની વિગતો એકત્ર કરતું પોલીસતંત્ર

સોગંદનામું, વારસાઇ વખતે ફરજમાં પણ કોણ હતું તેની પણ વિગતો પોલીસે માંગી

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
સાવલી તાલુકાના ચકચારભર્યા જમીન કેસમાં  બોગસ ખેડૂતો બનેલી વ્યક્તિઓની વિગતો એકત્ર કરતું પોલીસતંત્ર 1 - image

વડોદરા, તા.22 સાવલી તાલુકામાં ખેતીની જમીનમાં રેવન્યૂ કર્મચારીઓની મિલીભગતથી બોગસ મરણદાખલાના આધારે વારસાઇ દાખલ કરાવી બોગસ ખેડૂતો બનાવવાના ચકચારભર્યા કૌભાંડમાં જેમના નામો બહાર આવ્યા છે તે કોણ અને ક્યાંના છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સાવલી તાલુકામાં ગોઠડા(સામંતપુરા) તેમજ મુવાલ ગામની ખેતીની જમીનોમાં મૂળ જમીન માલિકોના બોગસ મરણ દાખલા બનાવી તેના આધારે વારસાઇ કરાવવામાં આવી હતી અને બાદમાં ખોટી વારસાઇમાં જે વારસદારો ના  હોય તેમના નામો પણ ઉમેરી બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ પ્રકાશમાં આવતાં જ સમગ્ર તાલુકા તેમજ મહેસૂલ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કેસની તપાસ ડીવાયએસપી એચ.પી. ચાંદુ કરી રહ્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે કુલ છ કેસમાં બોગસ ૧૦ ખેડૂતોના નામો ચડયા છે અને તેની તપાસ ચાલી રહી છે. વર્ષ-૨૦૧૯થી ચાલતા સુવ્યવસ્થિત કૌભાંડમાં કુલ છ કેસ પૈકી ચાર કેસોના કાગળો પણ રેવન્યૂ કચેરીમાં ઉપલબ્ધ ના  હોવાનું બહાર આવ્યું છે. પોલીસ હવે જે તે સમયે સોંદનામું, વારસાઇ વખતે નામો રેવન્યૂ દસ્તાવેજમાં દાખલ કરવા માટે કોણ ફરજમાં હતું તેની વિગતો મેળવી રહી છે. આ ઉપરાંત એક નાયબ મામલતદાર અને રેવન્યૂ તલાટીનું નામ પણ આરોપીઓમાં છે તે અંગે જિલ્લા જમીન સંકલન તકેદારી સમિતિને લખી વધુ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી સાવલી તાલુકાની કિંમતી જમીનોમાં બોગસ ખેડૂત બનવાનું કૌભાંડ ચાલતું  હતું. જે અંગે પોલીસમાં અરજી દાખલ થયા બાદ તેની તપાસ હાથ ધરાઇ હતી અને બાદમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હજી વધુ આરોપીઓના નામો ખૂલી શકે છે.




Google NewsGoogle News