હરણી લેકઝોન દુર્ઘટનામાં નાસતા ફરતા છ આરોપીઓ સામે પોલીસે વોરંટ મેળવ્યા
અત્યારસુધી કુલ ચાર આરોપીઓના મેજીસ્ટ્રેટ રૃબરૃના નિવેદનો લેવાયા
વડોદરા,હરણી લેકઝોન દુર્ઘટનામાં નાસતા ફરતા છ આરોપીઓના પોલીસે સીઆરપીસી ૭૦ મુજબના ધરપકડ વોરંટ મેળવ્યા છે. આ કેસમાં અત્યાર સુધી પોલીસે કુલ ચાર આરોપીઓના મેજીસ્ટ્રેટ રૃબરૃના નિવેદન લીધા છે.
ગત તા.૧૮ મી એ હરણી લેકઝોનમાં બોટ પલટી જતા ૧૨ માસૂમ વિદ્યાર્થીઓ તથા બે શિક્ષિકા મળી કુલ ૧૪ લોકોના મોત થયા હતા. આ કેસમાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે મુખ્ય સૂત્રધાર પરેશ શાહ સહિતના આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે હજી છ આરોપીઓ નાસતા ફરી રહ્યા છે. પોલીસે તેઓને પકડવા માટે તેઓના સંભવિત આશ્રય સ્થાનો પર તપાસ હાથ ધરી હતી. પરંતુ, તેઓ મળી નહીં આવતા તેઓને ભાગેડૂ જાહેર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે છ આરોપીઓના કોર્ટમાંથી સીઆરપીસી ૭૦ મુજબના વોરંટ મેળવ્યા છે.
પોલીસે કેસને મજબૂત કરવા માટે અત્યાર સુધી કુલ છ આરોપીઓના મેજીસ્ટ્રેટ રૃબરૃના નિવેદનો લીધા છે. જેમાં બિનીત હિતેશભાઇ કોટીયા ( રહે.દિવાળીપુરા ગાર્ડન પાછળ, સિગ્નેચર એપાર્ટમેન્ટ) ભીમસિંહ કુડીયારામ યાદવ ( રહે.અમરદીપ હોમ્સ, આજવા રોડ), રશ્મિકાંત ચીમભાઇ પ્રજાપતિ ( રહે. કર્મવીર વિલા સોસાયટી, સંતરામ ડેરી રોડ, નડિયાદ) તથા વેદપ્રકાશ રામપાત યાદવ ( રહે. અમરગ્રીન સોસાયટી, આજવા રોડ) નો સમાવેશ થાય છે.