ગરબા આયોજકો સાથે પોલીસની મીટિંગઃ ખેલૈયાઓ વરસાદથી બચી શકે તેવી વ્યવસ્થા કરવા તાકિદ
વડોદરાઃ વડોદરાના ગરબા આયોજકો સાથે આજે પોલીસ કમિશનરે મીટિંગ કરી સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વની ચર્ચા કરી હતી.મોટા આયોજકોએ સુરક્ષા વ્યવસ્થાના મુદ્દે સતર્કતા રાખવી પડશે.
પોલીસ ભવન ખાતે યોજાયેલી ગરબા આયોજકોની મીટિંગમાં ૪૬ જેટલા ગરબા આયોજકો હાજર રહ્યા હતા.પોલીસ કમિશનરે તેમને સુરક્ષા વ્યવસ્થા માટે સિક્યુરિટી તેમજ મહિલા ગાર્ડ રાખવા તાકિદ કરી હતી.આ ઉપરાંત પાર્કિંગ સહિતના સ્થળોએ સીસીટીવી રાખવા પણ જણાવાયું હતું.
ગરબા દરમિયાન પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે તેમજ શી ટીમની મહિલાઓ ચણિયા-ચોળી પહેરીને ગરબે ઘૂમશે.ફાયર સેફ્ટીના મુદ્દે પણ આયોજકોને સૂચનાઓ આપવામાં આવી છે.
ગરબા આયોજકોને ખાસ કરીને વરસાદ પડે તો અંધાધૂંધી ના સર્જાય તે માટે ખેલૈયાઓ વરસાદથી બચી શકે તેવી વ્યવસ્થા કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે.