નારાયણ વિદ્યાલયની દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં પોલીસ તપાસ શરૃ
સ્કૂલમાં એફ.એસ.એલ.ની ટીમની મદદથી તપાસ : ૧૮ શિક્ષકો અને વાલીઓના નિવેદન લેવાયા
વડોદરા,વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ગુરૃકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલયમાં દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં કપુરાઇ પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૃ કરી છે. જે ક્લાસ રૃમમાં દીવાલ ધરાશાયી થઇ ગઇ હતી ત્યાં એફ.એસ.એલ.ની ટીમની મદદથી તપાસ કરાવવામાં આવી હતી.
ગઇકાલે બપોરે નારાયણ વિદ્યાલયમાં ક્લાસ રૃમની દીવાલ અચાનક પડી જતા ચાર બાળકો નીચે પટકાયા હતા. જે પૈકી એક બાળકને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાની જાણવા જોગ નોંધની એન્ટ્રી કરી ડીસીપી લીના પાટિલની સૂચના મુજબ કપુરાઇ પોલીસે તપાસ શરૃ કરી છે.
દરમિયાન કપુરાઇ પોલીસે આજે ક્લાસ રૃમમાં એફ.એસ.એલ.ની ટીમની મદદથી તપાસ કરી હતી. એફ.એસ.એલ.ની ટીમ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા. તૂટી ગયેલી દીવાલ બનાવવામાં વપરાયેલા મટિરિસલની પણ તપાસ લેબમાં કરાવવામાં આવશે.
આ ઉપરાંત ઘટના સમયે સ્કૂલમાં હાજર ૧૮ શિક્ષકોના પણ પોલીસે નિવેદન લીધા છે. જ્યારે સ્કૂલની નજીક રહેણાંક વિસ્તાર હોવાથી ત્યાં રહેતા ૯ વ્યક્તિઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત બાળકોના વાલીઓનો પણ પોલીસે સંપર્ક કરી તેઓના નિવેદનો લીધા છે.
પોલીસે સ્કૂલ બિલ્ડિંગ ક્યારે બની ? સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ છેલ્લે ક્યારે લીધું ? તે અંગેની વિગતો મેળવવા માટે સ્કૂલના ટ્રસ્ટીઓ અને કોર્પોરેશનને લેટર લખ્યા છે.