નકલી સિંચાઇ કચેરી કૌભાંડમાં બે પ્રાયોજના વહીવટદારની પૂછપરછ
અંકિત સુથારના બેંક એકાઉન્ટની તપાસ ઃ હજી વધુ ધરપકડની શક્યતા
નસવાડી તા.૪ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે નકલી સિંચાઇ કચેરીના કૌભાંડમાં અગાઉના પ્રાયોજના વહીવટદારની પોલીસે પૂછપરછ કરી હતી. પોલીસ દ્વારા ૨૩ સ્થળોએ નકલી કામોની તપાસ કરવામાં આવી અને ત્રીજા આરોપીના બેન્ક ખાતાની વિગતો મેળવવામાં આવી હતી.
બોડેલી ખાતે નકલી સિંચાઇ કચેરીના રૃા.૪.૧૫ કરોડના કૌભાંડમાં છોટાઉદેપુર પોલીસે અગાઉના પ્રાયોજના વહીવટદાર આર.જે.જાડેજા અને વી.સી.ગામીતના જવાબો લેવામાં આવ્યા હતાં. આ બંને પ્રાયોજના વહીવટદારના સમયમાં નકલી દરખાસ્તો મંજૂર કરી ગ્રાન્ટ કેવી રીતે ફાળવવામાં આવી તેમજ નકલી અધિકારીઓ તેઓના સંપર્કમાં કયારે આવ્યા, આટલી મોટી ગ્રાન્ટ નકલી કચેરીને નકલી ટ્રેઝરીનો વર્ક ઓર્ડર નંબર નાખી કેવી રીતે નાણાં ચૂકવવામાં આવ્યા તે સંદર્ભે પૂછપરછ કરવામાં આવી હતી.
પ્રાયોજના વહીવટદાર કચેરીના ક્લાર્ક અને ફરિયાદી જાવેદ કનોજીયાની પણ પોલીસે પૂછપરછ કરી જવાબો લીધા હતાં. નકલી કચેરીના ત્રીજા આરોપી અંકિત સુથારના બેન્ક ખાતાની વિગતો પોલીસે મેળવી હતી. રિમાન્ડ દરમિયાન અબુબકરે પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા છે જેમાં પ્રાયોજના વહીવટદાર કચેરીના અધિકારીઓની સંડોવણી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. આગામી દિવસોમાં વધુ ધરપકડ થાય તેમ મનાય છે.