વડોદરા શહેરમાં ગેરકાયદે પ્રવેશ કરતા ભારદારી વાહનો સામે પોલીસ એક્શન મોડમાં : 15 વાહનો જપ્ત
Heavy Vehicle seized in Vadodara City : વડોદરા શહેરમાં નક્કી કરેલા સમય પ્રમાણે ભારદારી વાહનોને એન્ટ્રી કરવાની હોય છે પરંતુ ભારદારી વાહનોના ચાલકો ગમે તે સમયે એન્ટ્રી કરતા હોવાના કારણે અકસ્માતો સર્જાતા રહે છે તેને રોકવા આજે વડોદરા પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી અને 15 ભારદારી વાહનો વ્યક્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વડોદરા શહેરમાં બપોરે 1 થી સાંજે ચાર વાગ્યા સુધી અને રાત્રે 11 વાગ્યા પછી ભારદારી વાહનોને એન્ટ્રી કરવાની છૂટછાટ આપવામાં આવેલી છે. દિવસ દરમિયાનમાં ટ્રાફિકના સમય દરમિયાન ભારદારી વાહનો પર પોલીસે નો-એન્ટ્રીની જાહેરાત કરી છે. તેમ છતાં અનેક ભારદારી વાહનો વડોદરા શહેરમાં આડેધડ નિયમો તોડીને દોડાવતા હોય છે. જેને કારણે અનેક વિસ્તારોમાં લોકોને મુશ્કેલી સર્જાતી હોય છે એટલું જ નહીં આ ભારદારી વાહનોને કારણે અકસ્માતો પણ સર્જાતા રહે છે.
ભારદારી વાહનો સામે આજે સયાજીગંજ પોલીસ અને ટ્રાફિક પોલીસે સંયુક્ત રીતે કામગીરી કરી હતી અને વડોદરા શહેરમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરતા ભારદારી વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સવારના સમયમાં જ 15 થી વધુ ભારદારી વાહનો જેમાં ડમ્પર, સિમેન્ટના મિક્સર, ટેમ્પા, ટ્રક વગેરે વાહનો જપ્ત કરી દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે.