ખેડા અને આણંદ જિલ્લામાં ડફેરો આવ્યાની અફવાથી પોલીસે બેઠકો યોજવી પડી
- ચરોતરમાં અફવાઓથી દૂર રહેવા જિલ્લા પોલીસની તાકીદ
- સોશિયલ મીડિયામાં ફેક વીડિયો, પોસ્ટ વાઈરલ ઃ લૂંટ અને ધાડની ભીતિથી લોકોના રાત્રિ ઉજાગરા ઃ પોલીસે ગામેગામ સરપંચ સહિતના આગેવાનોને સાથે લઈ કેમ્પ શરૂ કર્યા
- ડફેરો આવ્યાની વાતમાં તથ્ય નહીં હોવાનો પોલીસનો દાવો
નડિયાદના ગ્રામ્ય વિસ્તારો સહિત ખેડા અને આણંદ જિલ્લાના તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ડફેરો આવ્યા હોવાની અફવાઓ ઘેર-ઘેર સુધી પહોંચી ગઈ છે. ડફેરો દ્વારા લોકોના ઘરે પહોંચી લૂંટ અને ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. સોશિયલ મીડિયા પર પણ અનેક પ્રકારના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં કેટલાક લોકો કોઈ ઈસમને થાંભલે બાંધી અને મારતા હોવાનું દેખાઈ રહ્યુ છે. આ સિવાય ચોક્કસ ગામોના નામ લખી અને તે ગામોના સીસીટીવીમાં ડફેર દેખાયા હોવાના વીડિયો અને લખાણ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયામાં આવતા આવા તમામ વીડિયોના તથ્ય અંગે સામાન્ય નાગરીકો કંઈ પણ તપાસ કર્યા વગર સાચો માની અને ભયભીત થઈ રહ્યા છે. આવા વીડિયો લોકો વાયુવેગે શેર કરી અને એકબીજાને મોકલતા ખૂબ મોટા પ્રમાણમાં ફેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલ આ સમગ્ર ઘટનાક્રમના કારણે ચરોતરના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બાબતની લોકો પર એવી અસર પડી છે કે, ગામડાઓમાં હાલ લોકો પોતાના મકાનો અને ફળિયામાં રાત્રિના સમયે ઉજાગરો કરી અને પહેરેદારી કરી રહ્યા છે.
ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સપેક્ટર કેવલ વેકરીયાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા ખાસ અવેરનેસ કેમ્પ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની ચર્ચાઓ ઉઠી છે. જેથી જે-તે ગામોને લગતા પોલીસ મથકના અમલદારો થકી ગ્રામ્ય વિસ્તારોના સરપંચ, સભ્યો સહિતના આગેવાનો સાથે બેઠકો કરી અને તેમના થકી લોકો સુધી સાચી માહિતી પહોંચાડવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. આમ છતાં, નાગરીકોની સુરક્ષા માટે જે વિસ્તારો સંવેદનશીલ લાગે ત્યાં સતત પેટ્રોલિંગની કામગીરી ચાલી રહી છે. આ સિવાય પણ નાઈટ પેટ્રોલિંગ વધુ સઘન કરાયું છે. નડિયાદ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ડફેરો આવ્યા હોવાની વાતોમાં હજુ સુધી કોઈ તથ્ય મળ્યું નથી.
- પોલીસ દ્વારા અવેરનેસના વધુ કાર્યક્રમ કરવા માંગ
આ વચ્ચે જાગૃતજનોના મતે હાલ દરેક ગામડાઓમાં આ અફવાએ ઘર કરી લીધુ છે અને લોકો ઘેર-ઘેર ઉજાગરા કરી અને પોતાનું સ્વરક્ષણ કરવા મજબૂર બન્યા છે. જો કે, આ પ્રકારની કોઈ પણ ફરિયાદ હજુ સુધી ખેડા જિલ્લાના પોલીસ ચોપડે નોંધાઈ નથી. ત્યારે સમગ્ર બાબતે ખેડા જિલ્લા પોલીસ દ્વારા ગામડાઓમાં સાચી માહિતી પહોંચાડવા માટે અવેરનેસના વધુમાં વધુ કાર્યક્રમ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.