વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીની ધરપકડ માટે વોરંટ મેળવતી પોલીસ
સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી પણ પોલીસે શરૃ કરી હતી
વડોદરા,વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સામે દુષ્કર્મના ગંભીર આરોપ કરી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગુનો દાખલ થતા અંડર ગ્રાઉન્ડ થઇ વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરમાં રહેતી ૨૩ વર્ષની યુવતી જ્યારે ૧૪ વર્ષની હતી. તે સમયે દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી. ત્યારબાદ મંદિરની નીચે એક રૃમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. સ્વામી તેઓના ગૃપમાં મને વીડિયો કોલ કરવા દબાણ કરતા હતા. હું વીડિયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ ઇમોશનલી બ્લેકમેલ કરી ધમકી આપતા હતા. બનાવના આઠ વર્ષ પછી ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. ગુનો દાખલ થયા પછી નાસતા ફરતા સ્વામીએ હાઇકોર્ટમાં ફરિયાદ રદ્દ કરવા અરજી કરી હતી. જે અરજી પણ મંજૂર થઇ નહતી. ત્યારબાદ સ્વામીએ આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી નામંજૂર થઇ હતી. પોલીસે સ્વામની ધરપકડ માટે કોર્ટમાંથી કલમ ૭૦ મુજબનું વોરંટ પણ મેળવ્યું છે.