ચેતન સોનીના કોલ ડિટેલ્સ અને બેન્ક એકાઉન્ટની માહિતી મેળવતી પોલીસ
સામૂહિક આપઘાત કેસમાં પિતાની તબિયત સુધારા પર પુત્રની હાલત સ્ટેબલ ઃ હજી નિવેદન આપી શકે તેવી હાલતમાં નથી
વડોદરા,તરસાલીની નંદન વન સોસાયટીમાં રહેતા સોની પરિવારે કરેલા સામૂહિક આપઘાતના પ્રયાસના કેસમાં હજી પિતા - પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પિતાની તબિયત સુધારા પર છે. જ્યારે પુત્રની હાલત સ્ટેબલ છે. સામૂહિક આપઘાતના પ્રયાસના કેસમાં આર્થિક સંકડામણ જવાબદાર હોઇ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
સમગ્ર શહેરમાં ચકચાર જગાવનાર આ કિસ્સાની વિગત એવી છે કે, તરસાલની નંદનવન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા ચેતન મનહરલાલ સોની અગાઉ સોની કામ કરતા હતા. પરંતુ, ધંધો બરાબર ચાલતો નહી ંહોવાથી તેઓ હાલમાં ઘરે જ મશીનમાં વાયસર બનાવતા હતા. ગત ૧ લી તારીખે રાતે તેમણે શેરડીના રસમાં પોટેશિયમ સાઇનાઇડ ભેળવીને પિતા મનહરલાલ, પત્ની બિંદુબેન અને પુત્ર આકાશને પીવડાવી દીધો હતો. ઝેરની અસરના કારણે મનહરલાલ અને બિન્દુબેનનું અવસાન થયું હતું. જ્યારે આકાશ ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મકરપુરા પોલીસે ચેતન સોનીની પૂછપરછ કરતા પોતાની કરતૂતો ખુલ્લી પડી જવાના ડરથી તેણે પોતે પણ ઝેર પી લેતા તેને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચેતન સોની અને તેનો પુત્ર આકાશ હજી ભાનમાં આવ્યા નહીં હોવાથી તેઓના નિવેદન લઇ શકાયા નથી.
આ કેસમાં આર્થિક સંકડામણ કારણભૂત હોઇ મકરપુરા પી.આઇ. જે.એન.પરમારે તપાસ હાથ ધરી છે કે, ચેતન સોનીના નાણાંકીય વ્યવહારો કોની સાથે હતા? તે કોની સાથે અવાર - નવાર વાતચીત કરતો હતો ? તેની વિગતો મેળવવા પોલીસે તેની કોલ ડિટેલ્સ મંગાવી છે. ચેતન વ્યાજખોરની ચુંગલમાં ફસાયો હોવાની પણ શક્યતા હોવાથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
શેરડીનો રસ ક્યાંથી લાવ્યો, તેની તપાસ કરતી પોલીસ
વડોદરા, ચેતન સોની ક્યાંથી શેરડીનો રસ લાવ્યો હતો. તેના ઘર તરફ આવવાના રોડ પર ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની પોલીસ ચકાસણી કરી રહી છે. જ્યારે બીજી તરફ આ વિસ્તારમાં શેરડીનું કોલું ચલાવતા લોકોની ત્યાં પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. જોકે, હજીસુધી જાણી શકાયું નથી કે, ચેતન શેરડીનો રસ ક્યાંથી લાવ્યો હતો ? જ્યારે સાઇનાઇડ ક્યાંથી લાવવામાં આવ્યું હતું ? તેની વિગતો ચેતન સોની ભાનમાં આવ્યા પછી જ જાણી શકાશે.