પોલીસે પીછો કરી વિદેશી દારૃ ભરેલી કાર પકડી : બુટલેગર ભાગી જવામાં સફળ
ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર છાલા પાસે
દારૃ અને બિયરની ૫૫૨ જેટલી બોટલ કબ્જે કરીને ૩.૭૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો
આમ તો રાજ્યમાં દારૃબંધી છે પરંતુ પરપ્રાંતમાંથી મોટા
પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ સ્થિતિને
કારણે રાજ્યના કોઈ પણ વિસ્તારમાં સરળતાથી વિદેશી દારૃનો જથ્થો મળી રહે છે. ખાસ
કરીને ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપરથી વિદેશી દારૃની હેરાફેરી વધુ જોવા
મળી રહી છે ત્યારે ગઈકાલે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી
મળી હતી કે, વિદેશી
દારૃ ભરેલી કાર ચંદ્રાલા પાસેથી પસાર થઈ છે.
જે બાતમીના પગલે છાલા પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતા તેને ઊભી
રહેવા માટે ઈશારો કરવામાં આવ્યો હતો પરંતુ તેના ચાલકે કાર ભગાડી દીધી હતી અને
મહુન્દ્રા બ્રિજ નજીક આ કાર રોડ સાઈડમાં મૂકીને તેનો ચાલક ખેતરમાં નાસી છૂટયો હતો.
જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો પરંતુ તે હાથમાં આવ્યો ન હતો. પોલીસે કારમાં તપાસ
કરતા વિદેશી દારૃ અને બિયરની કુલ ૫૫૨ જેટલી બોટલ મળી આવી હતી. જેથી ૩.૭૪ લાખ
રૃપિયાનો મુદ્દામાલ કબજે કરીને ફરાર થઈ ગયેલા બુટલેગરની શોધખોળ શરૃ કરવામાં આવી
હતી.