તરસાલીના યુવા સિવિલ કોન્ટ્રાક્ટરની હત્યાના કેસમાં પોલીસે 1400 પાનાની ચાર્જશીટ મુકી

ઉછીના પૈસા પરત આપવા ના પડે તે માટે જીમ ટ્રેનર મિત્રએ હત્યા કરી હતી

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
તરસાલીના યુવા સિવિલ કોન્ટ્રાક્ટરની હત્યાના કેસમાં પોલીસે 1400 પાનાની ચાર્જશીટ મુકી 1 - image
આરોપીઓની તસવીર

વડોદરા : ઉછીના આપેલા રૃ. એક લાખ પરત આપવા ના પડે તે માટે જીમ ટ્રેનરે સિવિલ કોન્ટ્રાક્ટર મિત્રને ઘરે બોલાવીને ક્રુર રીતે હત્યા કરી નાખી હતી જે બાદ જીમ ટ્રેનરે માતા સાથે મળીને લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. આ કેસમાં પોલીસે ૪ મહિના અને ૨૧ દિવસ બાદ કોર્ટમાં ૧૪૦૦ પાનાની ચાર્જશીટ મુકી છે.

જીમ ટ્રેનર અને તેની માતાએ લાશને બાઇકના કવરમાં લપેટીને રાઘવપુરા ગામ નજીક કેનાલમાં ફેંકી દીધી હતી, 15 દિવસે લાશ મળી હતી

ઘટનાની વિગત એવી છે કે તરસાલીમાં સુસેશન રિંગ રોડ ઉપર મોતીનગર-૨માં રહેતો સિવિલ કોન્ટ્રાક્ટર જૈમીન ઉર્ફે જીમી વિનુભાઇ કેશવલાલ પંચાલ (ઉ.૩૨) ગત તા.૩૧ માર્ચે ઘરેથી બપોરે એક વાગ્યાના અરસામાં માતાને એમ કહીને નીકળ્યો હતો કે હું સતિષને મળવા જઉ છું. જે બાદ મોડી સાંજ સુધી પરત નહી આવતા મકરપુરા પોલીસમાં જીમીના પિતા વિનુભાઇએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો કે જીમીના મિત્ર સતિષ મોતીભાઇ વસાવા (ઉ.૩૧)એ તે દિવસે જીમીને પોતાના ઘરે બોલાવ્યો હતો અને જીમી પાસેથી ઉછીના લીધેલા એક લાખ બાબતે ઝઘડો થયો હતો જે બાદ જીમીએ રૃમ બંધ કરીને જીમીનુ ગળુ દબાવી દીધુ હતુ. જીમી તરફડીયા મારતો હતો તે સમયે જ સતિષે તેના મોઢા ઉપર ઓશીકુ દબાવીને શ્વાસ રૃંધી દીધો હતો. થોડી જ ક્ષણોમાં જીમીનુ પ્રાણ પંખેરૃ ઉડી ગયુ હતું. સતિષે જીમીએ પહેરેલા સોનાના ઘરેણા લૂંટી લીધા હતા.

હત્યા બાદ સતીષ અને તેની માતા આઠુબેન મોતિભાઇ વસાવા (ઉ.૬૧)એ જીમીની લાશને બાઇકના કવરમાં બંધ કરી હતી અને જીમીની જ બાઇક ઉપર કુંઢેલા રાઘવપુરા ગામની સીમમાં શાખા કેનાલના નાળામાં લાશને ફેંકી દીધી હતી. બાઇક સતીષ ચલાવતો હતો અને પાછળ તેની માતા લાશને પકડીને બેઠી હતી.  આ કેસમાં મકરપુરા પોલીસે ૬૮ સાહેદોના નિવેદનો નોંધ્યા છે.


Google NewsGoogle News