ખંડણીના ગુનામાં સંડોવાયેલા કિશન રાજપૂતને પકડવામાં પોલીસ નિષ્ફળ
કિશન સામે મકરપુરામાં એક અને વાડીમાં બે ગુના દાખલ થયા છે : સાપ્તાહિકના રજિસ્ટ્રેશનની પણ પોલીસે તપાસ કરી નથી
વડોદરા,સાપ્તાહિકના ઓથા હેઠળ લોકો પાસેથી ખંડણી વસુલતા કહેવાતા પત્રકાર સામે ખંડણીના ત્રણ ગુના વાડી અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયા છે. ગુનાઇત ભૂતકાળ ધરાવતા કિશન રાજપૂતને પોલીસ હજી પકડી શકી નથી. જે સાપ્તાહિક કિશન ચલાવે છે. તેના રજિસ્ટ્રેશન અંગે પણ પોલીસે હજી યોગ્ય તપાસ કરી નથી.
ચોખંડી દાલિયાવાડીમાં રહેતા જતીન હસમુખભાઇ પંચાલ ફેબ્રિકેશનનો ધંધો કરે છે. તેમજ લોકલ ન્યૂઝ ચેનલ ચલાવે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે કિશન રાજપૂત સામે બે ફરિયાદ નોંધાવી હતી. જેની વિગત એવી છે કે, નિઝામપુરા અર્પણ કોમ્પલેક્સમાં કિશન રાજપૂત તથા કૈલાસ રાજપૂત સાપ્તાહિક ચલાવે છે. અંદાજે ત્રણ મહિના પહેલા તેણે ફરિયાદી વિરૃદ્ધ ગંદા આક્ષેપો કરી પોલીસ અધિકારીઓ તથા સરકારી અધિકારીઓ અને બૂટલેગરો સાથે નામ જોડીને વિગતો છાપી હતી. તેમજ પાંચ લાખની માંગણી અન્ય મારફતે કરી હતી. જ્યારે અન્ય કેસમાં એક મહિલાને હાથો બનાવી ૧૫ લાખની ખંડણી માંગી હતી.
આ અગાઉ મકરપુરામાં પણ તેની સામે ગુનો દાખલ થયો હતો. જેમાં માણેજા વિસ્તારમાં રહેતી મહિલા પાસે પણ ખંડણી માંગી હતી. મહિલા સરન્ડર નહીં થતા કિશન રાજપૂત સહિત અન્ય આરોપીઓએ તેનો નિર્વસ્ત્ર વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. તે કેસમાં છેક રાજ્ય પોલીસ વડા સુધી ફરિયાદ કર્યા પછી મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કિશન રાજપૂત સામે ભૂતકાળમાં પણ ખંડણીના ગુના વડોદરા તાલુકા, સાવલી, વાઘોડિયા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુના દાખલ થયા છે. તેના પાસા હેઠળ પણ અટકાયત કરવામાં આવી હતી.