કોલકત્તાના એસ્ટ્રોલોજરે વાયરલ કરેલા વીડિયો અને ફોટા મેળવવા પોલીસની કવાયત
ત્રણ પોલીસ જવાનોના ડીસીપી દ્વારા નિવેદન લેવાયા : પોલીસની ટીમ કોલકત્તા પહોંચી
વડોદરા, લગ્નની લાલચ આપીને મહિલાની સાથે શરીર સંબંધ બાંધનાર કોલકત્તાના આરોપીએ મહિલાના વીડિયો અને ફોટા વાયરલ કર્યા હતા. તે વીડિયો અને ફોટા કેસમાં પુરાવા તરીકે મહત્વના હોઇ તેને રિકવર કરવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
માંજલપુરની મહિલાએ પોતાની પર બળાત્કાર થયાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસ આરોપી પ્રણવ ઉર્ફે પ્રસાદ કુમાર મંડલ, ઉં.વ.૫૦ ( રહે.વોર્ડ નંબર - ૭, ગરપરા, ગોબરડંગા, પ્રંગંસ, વે. બંગાલ) ને પકડી લાવી હતી. મહિલાના વીડિયો અને ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. ડીસીપી લીના પાટિલના માર્ગદર્શન હેઠળ શરૃ કરવામાં આવેલી તપાસ દરમિયાન આરોપીના લેપટોપ અને પેન ડ્રાઇવમાંથી વીડિયો અને ફોટા રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન પોક્સોના કેસમાં એસ્ટ્રોલોજરને પકડવા માટે રવાના થયેલી મકરપુરા પોલીસની ટીમ કોલકત્તા પહોંચી ગઇ છે. સ્થાનિક પોલીસની મદદથી આવતીકાલે મકરપુરા પોલીસની ટીમ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપી પકડાયા પછી તેની ઓફિસ અને ઘરમાં સર્ચ કરી લેપટોપ અને પેન ડ્રાઇવ પોલીસ દ્વારા કબજે લેવામાં આવશે. આ કેસમાં મહિલા પી.એસ.આઇ આર.એન.ચુડાસમા સામે થયેલા આક્ષેપ બાદ તેઓ રજા પર ઉતરી ગયા છે. જેથી, તેઓનું નિવેદન લઇ શકાયું નથી. આજે ડીસીપી દ્વારા આ કેસની ખાતાકીય તપાસ દરમિયાન ત્રણ પોલીસ જવાનો (રાઇટર) ના નિવેદનો નોંધવામાં આવ્યા છે.