પૂરની જેમ પોલીસ પણ આગમાં કામે લાગી, રિફાઇનરીમાંથી 6000 કર્મચારીઓને બહાર કાઢ્યા, એનાઉન્સમેન્ટ કર્યું
વડોદરાઃ ચોમાસામાં પૂરની પરિસ્થિતિમાં પોલીસ દ્વારા જે પ્રકારે મદદ કરવામાં આવે છે તે રીતે રિફાઇનરીની આગના બનાવમાં પણ પોલીસે મહત્વની ભૂમિકા ભજવી હતી.જેને કારણે ફાયર બ્રિગેડ માટે આગ કાબૂમાં લેવા માટે અનુકૂળ માહોલ મળ્યો હતો.
રિફાઇનરીમાં આગ લાગી ત્યારે જવાહર નગર પોલીસની ટીમ પહોંચી હતી અને ત્યાર બાદ એસીપી ડીજે ચાવડા,પીઆઇ અશોક મોરી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા.પોલીસે ફાયર બ્રિગેડના વાહનોને અડચણ ના પડે તે માટે રૃટ પર પાર્ક કરેલા વાહનો દૂર કરાવ્યા હતા અને ટોળાં જામતાં અટકાવ્યા હતા.
આ ઉપરાંત એસીપી જુદાજુદા પ્લાન્ટોમાં ગયા હતા અને સ્થિતિ વકરે તો પેનિક ના સર્જાય તે માટે ૬ હજારથી વધુ કર્મચારીઓને કંપનીના વાહનોમાં બહાર કઢાવ્યા હતા.
ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારોમાં મોડીરાત સુધી એનાઉન્સમેન્ટ પણ કરાવ્યું હતું અને ઉશ્કેરાટ કરતા લોકોને સમજાવી વાઘોડિયાના ધારાસભ્યને મધ્યસ્થી બનાવી મૃતદેહ સ્વીકારવા માટે મનાવ્યા હતા.બંને કર્મચારીના મોતના બનાવ અંગે જવાહરનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.જેનું સુપરવિઝન એસીપી કરશે અને બનાવ સંદર્ભે રિફાઇનરીના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે.