નારાયણ વિદ્યાલયની બિલ્ડિંગના મંજૂર થયેલા નકશા પોલીસે કોર્પોરેશન પાસે માંગ્યા
છેલ્લે ૨૦૧૬માં બિલ્ડિંગના અમુક ભાગમાં જ રિનોવેશન થયું હતું : ૭ પૈકી ૬ ટ્રસ્ટીઓના નિવેદન લેવાયા
વડોદરા,વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર ગુરૃકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલયનો કોર્પોરેશનમાં મંજૂર થયેલો નકશો પોલીસે કોર્પોરેશન પાસે માંગ્યો છે. નકશા મુજબનું બાંધકામ થયું છે કે કેમ ? તેની પણ ચકાસણી કરવામાં આવશે. સ્કૂલના ટ્રસ્ટી મંડળમાં સામેલ ૭ પૈકી છ ટ્રસ્ટીઓના નિવેદનો લેવામાં આવ્યા છે. જ્યારે એક ટ્રસ્ટી ૨૨ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે અને તેઓ સિટિઝન છે.
ગત સપ્તાહમાં વાઘોડિયા ડભોઇ રીંગ રોડ આવેલી નારાયણ વિદ્યાલયની દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે. સ્કૂલના ટ્રસ્ટી મંડલમાં સામેલ ભાજપના કોર્પોરેટર નૈતિક શાહના પિતા દક્ષેશ શાહ તેમજ અન્ય ટ્રસ્ટીઓ આર.સી.પટેલ, સી.એમ.શાહ, કે.સી.પટેલ, એન.આઇ. પટેલ, મુકુંદ આર.પટેલના પોલીસે નિવેદનો લીધા છે. જ્યારે એક ટ્રસ્ટી રિપલ નવનીતલાલ મજમુંદાર વર્ષ - ૨૦૦૨ થી અમેરિકામાં સ્થાયી થયા છે. તેઓ ત્યાંના સિટિઝન છે. જેથી, તેઓનું નિવેદન લઇ શકાયું નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, છેલ્લે વર્ષ ૨૦૧૬ માં સ્કૂલમાં રિનોવેશન થયું હતું. જોકે, આખી બિલ્ડિંગ નહીં પણ જ્યાં પોપડા ખરતા હોય ત્યાં જ રિપેરીંગ કામ થયું હતું. જે દીવાલ ધરાશાયી થઇ તેનું ક્યારેય સમારકામ થયું નહતું.
આવતીકાલે આર એન્ડ બી વિભાગ દ્વારા સ્કૂલમાં જઇને પોલીસની હાજરીમાં ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલનું બાંધકામ મંજૂર થયેલા નકશા મુજબનું છે કે કેમ ?તેની માહિતી મેળવા માટે પોલીસ દ્વારા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ પાસેથી નકશાની માંગણી કરવામાં આવી છે.