દિલ્હી-વડોદરા ફ્લાઇટ ટેકઓફ કરે તે પહેલા જ પોલીસે ઘેરી લીધી

બુધવારે સાંજની ઘટના, સુરક્ષાના કારણોથી ફ્લાઇટનું સઘન ચેકિંગ કરાયું, બે કલાક બાદ મુસાફરોને અન્ય ફ્લાઇટ દ્વારા વડોદરા તરફ રવાના કરાયા

Updated: May 15th, 2024


Google NewsGoogle News
દિલ્હી-વડોદરા ફ્લાઇટ ટેકઓફ કરે તે પહેલા જ પોલીસે ઘેરી લીધી 1 - image
દિલ્હી ડોમેસ્ટીક એરપોર્ટની ફાઇલ તસવીર

વડોદરા : દિલ્હી એરપોર્ટ ઉપર આજે સાંજે દિલ્હીથી વડોદરા આવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ કરે તે પહેલા જ સુરક્ષાના કારણોથી ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામા આવી હતી. ફ્લાઇટની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ગોઠવાઇ જતાં મુસાફરોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. બે કલાક મુસાફરોને ફ્લાઇટમાં બેસાડી રખાયા બાદ એક-એક મુસાફરનું ચેકિંગ કરાયું હતું, જે બાદ અન્ય ફ્લાઇટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જે વડોદરા આવવા રવાના થઇ હતી.

મળતી માહિતી અનુસાર, એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-૮૧૯ દિલ્હીથી તેના નિયત સમયે સાંજે ૬.૨૦ વાગ્યે વડોદરા માટે ટેકઓફ કરવાની હતી. તે પહેલા મુસાફરોનુ બોર્ડિંગ પણ શરૃ કરી દેવાયુ હતું. જો કે અડધા મુસાફરોનું બોર્ડિંગ થયા બાદ અચાનક ફ્લાઇટને ગ્રાઉન્ડ કરાઇ હોવાની જાહેરાત કરાઇ હતી. શરૃઆતમાં ટેકનિકલ ખામી હોવાનું જાણવા મળતુ હતું, પરંતુ થોડા સમયમાં જ પોલીસ કાફલાએ ફ્લાઇટ અને બોર્ડિંગ એરિયાને ઘેરી લેતા મુસાફરોને મામલો ગંભીર હોવાની જાણ થઇ હતી. જો કે ફ્લાઇટના સ્ટાફ દ્વારા કોઇ માહિતી આપવામાં આવતી નહતી.

આ દરમિયાન જ સીઆઇએસએફના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને ફ્લાઇટનું ચેકિંગ ચાલુ કરાયું હતું, એકેએક મુસાફરોનું ચેકિંગ કરીને તેઓને અન્ય ફ્લાઇટમાં ખસેડવામાં આવ્યા હતા. રાતના ૮.૩૦ વાગ્યા સુધી આ કાર્યવાહી ચાલી હતી, જે બાદ રાત્રે આશરે ૮.૩૦ વાગ્યે બીજી ફ્લાઇટમાં મુસાફરો દિલ્હીથી વડોદરા આવવા રવાના થયા હતા.


Google NewsGoogle News