પોલીસ કોન્સ્ટેબલનું મગોડી પાસે માર્ગ અકસ્માતમાં મોત

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
પોલીસ કોન્સ્ટેબલનું મગોડી પાસે માર્ગ અકસ્માતમાં મોત 1 - image


દહેગામ તાલુકાના હાલિસાના વતની

શ્વાન અચાનક જ રોડ વચ્ચે આવી જતા બાઇક સ્લીપ ખાઈ ગયું હતું : ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા

દહેગામ :  દહેગામ તાલુકાના હાલિસા ગામ ખાતે રહેતા અને ગાંધીનગર સેક્ટર - ૭ માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવાનને ચિલોડા હાઇવે ઉપર મગોડી ગામના પાટીયા પાસે કૂતરું વચ્ચે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘાયલ કોન્સ્ટેબલને હોસ્પિટલથી રજા પણ આપી દીધી હતી. બાદમાં આજે સવારે અચાનક જ યુવાનનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડયું હતું. કોન્સ્ટેબલના આકસ્મિક મોતના સમાચારથી પોલીસબેડામાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

ચિલોડા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ સંજયકુમાર રમેશભાઈ ચૌહાણ સેક્ટર-૭ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા. સંજયભાઈને દહેગામ ખાતે કામ હોવાથી તેઓ ઘરેથી બાઈક લઈને નીકળ્યા હતા દરમિયાન રાત્રિના નવ વાગે તેમના દીકરા સંજયનો તેમના પિતા ઉપર પર ફોન આવેલ અને જણાવેલ કે દહેગામ ખાતે કામ પૂરું કરી તેઓ પેથાપુર જઈ રહ્યા હતા તે દરમિયાન દહેગામ ચિલોડા હાઇવે ઉપર મગોડી ગામના પાટીયા પાસે અચાનક જ રોડ વચ્ચે કૂતરું આવી જતા બાઇક સ્લીપ ખાઈ ગયું હતું અને તેઓને ગંભીર ઇજા પહોંચી હોવાથી ૧૦૮ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

તેથી તાત્કાલિક સંજયભાઈનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે સારવાર કરી તેઓને રજા આપી હતી જ્યારે આજે સવારે સંજયભાઈને જગાડયા તો તે જાગ્યા ન હતા આથી તાત્કાલિક દહેગામ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ અંગે ચિલોડા પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News