MSU હોસ્ટેલની મેસ ફી મુદ્દે આંદોલન કરનારા વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વિદ્યાર્થી આલમમાં ભડકો

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
MSU હોસ્ટેલની મેસ ફી મુદ્દે આંદોલન કરનારા વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વિદ્યાર્થી આલમમાં ભડકો 1 - image


M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટી હોસ્ટેલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે મેસ ફી ફરજિયાત રાખવાના નિર્ણયની સામે પાંચ દિવસ પહેલા હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ભારે વિરોધ કર્યો હતો અને વાઈસ ચાન્સેલરના ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસીને દેખાવો કર્યા હતા. એ પછી રજિસ્ટ્રાર અને ચીફ વોર્ડને આ નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરવી પડી હતી. વિદ્યાર્થીઓએ પણ તરત આંદોલન બંધ કરી દીધું હતું.

જોકે એ પછી વિદ્યાર્થીઓને યેન કેન પ્રકારે ધમકાવવાના અને તેમને હેરાન કરવા પ્રયાસો યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા થઈ રહ્યા છે અને હવે આ મામલામાં વાઈસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવના આદેશ બાદ રહી રહીને 200 વિદ્યાર્થીઓના ટોળા સામે યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર એસ.કે.વાળાએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હોસ્ટેલના વિદ્યાર્થીઓમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે.

સયાજીગંજ પોલીસે આ આંદોલનમા સામેલ 200 વિદ્યાર્થીઓના ટોળા સામે રાયોટિંગ હેઠળ ફરિયાદ નોંધી છે અને સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે કે, યુનિવર્સિટી સત્તાધીશોએ હવે વિદ્યાર્થીઓને ડરાવવા માટે પોલીસનો સહારો લીધો છે. તેમજ પોલીસ પણ સત્તાધીશોના ઈશારે કામ કરી રહી છે.

એવું મનાઈ રહ્યું છે કે, મેસ ફી ફરજિયાત કરવાનો નિર્ણય પાછો ખેંચવાના કારણે સત્તાધીશોને નીચું જોવું પડ્યું છે અને હવે કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સત્તાધીશોની કાર્યવાહીના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી છે.

હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ આ પ્રકારના તાનાશાહી ભર્યા વલણ સામે વધુ એક આંદોલન શરૂ કરે તેવા એંધાણ વરતાઈ રહ્યા છે. આમ વાઈસ ચાન્સેલરે ફરિયાદ નોંધવાનો આદેશ આપીને વધુ એક વિવાદ સર્જી દીધો છે.

- વીસી તાનાશાહ છે અને વિદ્યાર્થીઓ સાથે આતંકવાદીઓ જેવો વર્તાવ કરે છે

હોસ્ટેલના વિદ્યાર્થીઓની સામે ફરિયાદ નોંધાયા બાદ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવેલા એનએસયુઆઈના શહેર પ્રમુખ અમર વાઘેલાએ કહ્યું હતું કે, વાઈસ ચાન્સેલર રજૂઆત કરવા જતા વિદ્યાર્થીઓને ક્યારેય મળતા નથી. ડો.વિજય કુમાર શ્રીવાસ્તવ તાનાશાહ છે અને વિદ્યાર્થીઓ સાથે આતંકવાદીઓ જેવો વર્તાવ કરી રહ્યા છે. કદાચ હોસ્ટેલમાં મેસ ફીનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હોવાથી તેમનો અહમ ઘવાયો છે અને તેના કારણે તેમણે વિદ્યાર્થીઓને હેરાન કરવા માટે પોલીસ ફરિયાદ કરવાનો હુકમ સિક્યુરિટી ઓફિસરને આપ્યો છે. ભૂતકાળમા એનએસયુઆઈને પણ પોલીસની મદદથી દબાવવાના અને ડરાવવાના પ્રયાસો આ વાઈસ ચાન્સેલર કરી ચૂકયા છે પણ વિદ્યાર્થીઓના હિત માટે અમે આંદોલન ચાલુ રાખીશું. અમે ડરવાના નથી.

- આંદોલનમાં સામેલ કેટલાક વિદ્યાર્થીઓ સાંસદ અને ધારાસભ્યના ટેકાદાર

હોસ્ટેલના વિદ્યાર્થીઓ સામે રહી રહીને ફરિયાદ નોંધાવવાના નિર્ણયથી અધ્યાપકોમાં પણ આશ્ચર્ય જોવા મળી રહ્યુ છે. અધ્યાપકો આ નિર્ણયને બળતામાં ઘી હોમવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આંદોલનમાં સામેલ કેટલાક વિદ્યાર્થીઓ સાંસદ અને વડોદરાના કેટલાક ધારાસભ્યોની નીકટના ગણાય છે. આ વિદ્યાર્થીઓ સામે વાઈસ ચાન્સેલરે પોલીસ ફરિયાદ નોંધાવવાનો આદેશ આપતા રાજકીય મોરચે પણ આગામી દિવસોમાં તેના પ્રત્યાઘાત પડી શકે છે.


Google NewsGoogle News