લામડાપુરા પાસે ખુલ્લા પ્લોટમાં બોટલો, દવા, પાવડરનો ખુલ્લામાં નાશ કરી પર્યાવરણને નુકસાન
મંજુસરની કંપની દ્વારા ઉત્પાદિત લખાણવાળી દવાઓને સળગાવતા પોલીસ ફરિયાદ
વડોદરા, તા.2 સાવલી તાલુકામાં લામડાપુરા ગામની સીમમાં શિવ ઇન્ડસ્ટ્રિયલ પાર્કના એક ખુલ્લા પ્લોટમાં મંજુસરની પનુટ્રા વિટામિન્સ કંપની દ્વારા મેન્યુફેક્ચરના સિમ્બોલો વાળી દવાની બોટલો, પાવડર સહિતનો મેડિકલ સામાન સળગાવી પર્યાવરણને નુકસાન કરતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે લામડાપુરા ગામમાં રહેતા કાંતિભાઇએ મંજુસર પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જણાવેલ કે ગામની બાજુમાં આવેલ શિવ ઇન્ડસ્ટ્રિયલ પાર્કના એક ખુલ્લા પ્લોટમાં કોઇ કંપની દ્વારા દવાની બોટલો તથા ટેબ્લેટો નાંખી ગયેલ છે અને તેમાં આગ ચાંપી છે. આ મેસેજના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ કરતાં કેટલીક બોટલો, ટેબ્લેટો અને પાવડરનો જથ્થો બળેલો મળ્યો હતો. આ મેડિસિન્સ પર પનુટ્રા વિટામિન્સ, કાન્હા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, મંજુસર મેન્યુફેક્ચર તરીકે ઉલ્લેખ હતો જ્યારે માર્કેટેડ તરીકે અલગ અલગ કંપનીઓનું લખાણ હતું.
ખુલ્લામાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરી તેને સળગાવતા માનવ જિંદગીને જોખમરૃપ બનેલ તેમજ કોઇ રોગનો ચેપ ફેલાવવાની સંભાવના જણાઇ હતી. પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને નુકસાન થાય તેવી આ પ્રવૃત્તિ અંગે મંજુસર પોલીસે અજાણી વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કેટલીક મેડિસિનના સેમ્પલો મેળવીને તેને તપાસ માટે પણ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે.