પાસપોર્ટ માટે બોગસ બર્થ સર્ટિફિકેટ રજૂ કરતાં પોલ ખૂલી,પોલીસ ફરિયાદ નોંધાઇ
વડોદરાઃ પાસપોર્ટ માટે બોગસ બર્થ સર્ટિફિકેટ રજૂ કરનારની પોલ પકડાતાં તેની સામે પાસપોર્ટ ઓફિસની સૂચના બાદ ગુનો નોંધવામાં આવ્યો છે.
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી રિજીયોનલ પાસપોર્ટ ઓફિસના આસિ.અધિકારી હરિશભાઇ મલાણીએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે,ગઇ તા.૨૬-૧-૨૦૨૧ના રોજ વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં રહેતા અનિશઅલી(મૂળ પ. બંગાળ)એ પાસપોર્ટ માટે અરજી કરી હતી.જેથી તા.૬-૯-૨૦૨૧ના રોજ એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી.
આ દરમિયાન અરજદારે રજૂ કરેલા ડોક્યુમેન્ટમાં પશ્રિમ બંગાળના હાવરા નજીકના ગામની ઉર્દુ પ્રાઇમરી સ્કૂલનું બર્થ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું.આ સર્ટિફિકેટ પહેલી જ નજરે બોગસ હોવાની શંકા જતાં અમદાવાદ પાસપોર્ટ ઓફિસે વડોદરા પોલીસ કમિશનરને તપાસ કરવા જાણ કરી હતી.
સિટી પોલીસની તપાસ દરમિયાન અરજદારે બંગાળના રમઝાન અંસારી પાસે બર્થ સર્ટિફિકેટ મંગાવ્યું હોવાની વિગતો ખૂલી હતી.રમઝાને તેના મિત્ર અબ્દુલ પઠાણ મારફતે સર્ટિફિકેટ મંગાવી રજૂ કર્યંુ હોવાનું જાણવા મળતાં પાસપોર્ટ ઓફિસરે બોગસ સર્ટિફિકેટ અંગે પોલીસ ફરિયાદ કરવા જાણ કરી હતી.જેથી ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે.